- ભાજપે દ્રોપદી મુર્મૂનું નામ જાહેર કરીને માસ્ટર સ્ટ્રોક માર્યો
- આદિવાસી અને મહિલા મતદાતાઓ પર ભાજપની નજર
- ઓડિશામાં BJPનું સમર્થન મેળવવામાં મદદ મળશે
ભાજપે ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યાં છે. જેપી નડ્ડાએ આદિવાસી મહિલાનું નામ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે.
64 વર્ષના દ્રોપદી મુર્મૂ 2000માં ઝારખંડ રાજ્ય બન્યા બાદ 5 વર્ષનો કાર્યકાળ (2015 થી 2021) પૂર્ણ કરનાર પ્રથમ રાજ્યપાલ છે. 20 જૂન, 1958ના રોજ ઓડિશાના મયૂરભંજ જિલ્લામાં આવેલા બૈદાપોસી ગામમાં દ્રોપદી મુર્મૂનો જન્મ થયો હતો. તેઓ સંથાલ જનજાતિમાંથી આવે છે. જ્યારે તેમના પતિનું નામ શ્યામ ચરણ મુર્મૂ છે.
દ્રોપદી મુર્મૂના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો, તેમને બે પુત્ર અને એક પુત્રી છે. તેમના પિતાનું નામ બિરંચિ નારાયણ ટૂડૂ હતું. તેમનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. દ્રોપદી મુર્મૂના પતિનું નિધન થઈ ચૂક્યું છે.
2000ના દાયકાની શરૂઆતમાં જ્યારે ઓડિશામાં BJP-BJDના ગઠબંધનમાં સરકાર બની, ત્યારે દ્રોપદી મુર્મૂએ રાજ્યમાં કોમર્સ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. જે બાદ તેમણે મત્સ્ય પાલન અને પશુપાલન વિભાગ સોંપવામાં આવ્યો હતો.
દ્રોપદી મુર્મૂ ઓડિશાની પ્રથમ મહિલા અને આદિવાસી નેતા છે, જેમને રાષ્ટ્રપતિ પદ માટે પસંદ કરવામાં આવ્યા હોય. 2000 અને 2009માં ભાજપની ટિકિટ પર ઓડિશાની મયૂરભંજ સ્થિત રાયરંગપુર બેઠક પરથી તેઓ ધારાસભ્ય તરીકે પણ ચૂંટાઈ આવ્યા છે.
દ્રોપદી મુર્મૂ 1997માં નગર પંચાયતના કાઉન્સિલર પણ રહી ચૂક્યાં છે. ભાજપે દ્રોપદી મુર્મૂને પોતાના જનજાતિય મોરચાના અધ્યક્ષ પણ બનાવ્યા હતા. 2015માં દ્રોપદી મુર્મૂને ઝારખંડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેમનો કાર્યકારણ વિવાદ વિનાનો રહ્યો છે.
દ્રોપદી મુર્મૂ પોતાની સાદગી માટે પણ જાણીતા છે. રાજ્યપાલ તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન રાજભવનમાં તેમની સાદગીની ખૂબ જ ચર્ચા થતી રહેતી હતી. તેઓ શુદ્ધ શાકાહારી છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન રાજભવનમાં માંસાહાર પર રોક લગાવી હતી. રાજ્યપાલ તરીકે મુર્મૂ દરરોજ વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ તેમજ કોઈ સમસ્યા લઈને આવનારા લોકો સાથે મુલાકાત કરતા હતા.
રાષ્ટ્રપતિ પદ માટે ભાજપે આ વખતે આદિવાસી ચહેરા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ગઈ વખતે ભાજપે દલિત ચહેરાનો રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉત્તર પ્રદેશના કાનપુરના વતની છે અને 2017માં NDA તરફથી તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા પહેલા તેઓ બિહારના રાજ્યપાલ હતા. એવામાં દલિત બાદ હવે આદિવાસી ચહેરાની પસંદગી કરીને ભાજપે UPA વિરુદ્ધ માસ્ટર સ્ટ્રોક માર્યો છે.
ભાજપ માટે કેમ ખાસ દ્રોપદી મુર્મૂ
દ્રોપદી મુર્મૂને પોતાના રાષ્ટ્રપતિ ઉમેદવાર બનાવીને ભાજપે માસ્ટરસ્ટ્રોક માર્યો છે. ભાજપ આદિવાસીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, કારણ કે ગુજરાત, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી આવી રહી છે. આ રાજ્યોમાં આદિવાસીઓની વોટબેંક ચૂંટણીના પરિણામોમાં મોટી અસર કરી શકે છે. આ સાથે જ 60 વર્ષના દ્રોપદી મુર્મૂ મહિલા મતદાતાઓને આકર્ષિત કરવામાં પણ પાર્ટીની મદદ કરી શકે છે.
દ્રોપદી મુર્મૂ ઓડિશાથી આવે છે, એવામાં બીજુ જનતા દળનું પણ તેમને સમર્થન મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે પ્રતિભા પાટીલને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા, ત્યારે મહારાષ્ટ્રના હોવાના કારણે શિવસેનાએ તેમનું સમર્થન કર્યું હતું. જ્યારે શિવસેના તે સમયે ભાજપ સાથે ગઠબંધનમાં હતી.










