- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ખાસ ડિનર આપી રહ્યા છે
- હિમાચલ પ્રદેશના સુખવિંદર સિંહ G20 ડિનરમાં હાજરી આપશે
- આ ડિનર માટે 170 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે
સમગ્ર વિશ્વની નજર ભારત તરફ છે. દેશની રાજધાની દિલ્હીમાં G-20 સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ખાસ ડિનર આપી રહ્યા છે. ભારત મંડપમમાં આપવામાં આવતા આ ડિનર માટે 170 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ડિનરમાં વિદેશી નેતાઓ અને અન્ય દેશોના પ્રતિનિધિમંડળના વડાઓ ઉપરાંત રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ કોંગ્રેસ શાસિત રાજ્યના એકમાત્ર મુખ્યમંત્રી છે, જેઓ આ ડિનરમાં સામેલ થઈ રહ્યા છે. હાલમાં કોંગ્રેસ ચાર રાજ્યોમાં સત્તા પર છે. તેમાંથી કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પોતાના વ્યસ્ત કાર્યક્રમના કારણે દિલ્હી આવી રહ્યા નથી. આ ડિનરમાં માત્ર હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ જ હાજરી આપશે.
આ મહેમાનો ડિનરમાં હાજરી આપશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આપવામાં આવેલા આ ખાસ ડિનરમાં કોઈપણ રાજકીય પક્ષના નેતાને આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ ડિનરમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, તેમના પત્ની સુદેશ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ સહિત અન્ય કેબિનેટ મંત્રીઓ આ ખાસ ડિનરમાં હાજરી આપશે. દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ નાદુરસ્ત તબિયતના કારણે આ ડિનરમાં હાજર રહી શકશે નહીં. ડિનરમાં ભાગ લેનારા કેબિનેટ મંત્રીઓમાં રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, નરેન્દ્ર સિંહ તોમર, એસ. જયશંકર, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રહલાદ પટેલનો સમાવેશ થાય છે. આ સિવાય કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ગિરીશ ચંદ્ર મુર્મુ, લોકસભા સ્પીકર ઓમ બિરલા, NSA અજીત ડોભાલ, દિલ્હી એલજી વીકે સક્સેનાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
રાત્રિભોજન માટે ખાસ તૈયારીઓ
G-20 સમિટ વચ્ચે ભારત મહામંડપમ ખાતે આયોજિત આ ડિનર માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ભોજન પીરસતો સ્ટાફ ખાસ ડ્રેસમાં જોવા મળશે. રાત્રિભોજન માટે લગભગ 15 હજાર ચાંદીના વાસણો તૈયાર કરવામાં આવ્યા છે. સવારના નાસ્તાથી લઈને લંચ અને ડિનર સુધીની 500 થી વધુ વાનગીઓ તૈયાર કરવામાં આવી છે.