- પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડથી લડશે ચૂંટણી
- એક સાથે ગાંધી પરિવારના 3 સભ્યો સંસદમાં જોવા મળી શકે
- વાયનાડ સીટથી લોકસભામાં એન્ટ્રી લેશે પ્રિયંકા
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સારા પ્રદર્શન બાદ બધા જ લોકોની નજર તેની પર હતી કે રાહુલ ગાંધી કઈ સીટથી લોકસભામાં એન્ટ્રી લેશે. રાહુલ ગાંધી આ વખતે ઉત્તરપ્રદેશની રાયબરેલી અને કેરળની વાયનાડ સંસદીય સીટથી ચૂંટણી જીત્યા હતા. ત્યારે તેમને એક સીટ છોડવી પડી. રાહુલ ગાંધીએ વાયનાડ સીટથી રાજીનામું આપ્યું અને રાયબરેલી સીટ પરથી સંસદીય પદ જાળવી રાખ્યું. વાયનાડથી રાજીનામું આપવાની સાથે જ કોંગ્રેસે એ પણ જાહેરાત કરી દીધી કે વાયનાડ સીટ પર યોજાનારી પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધી વાડ્રા ઉમેદવાર હશે. પ્રિયંકા જો વાયનાડથી ચૂંટણી જીતે છે તો સંસદમાં ગાંધી-નેહરૂ પરિવાર એક નવો રેકોર્ડ રચશે.
લાંબા સમય બાદ વર્ષ 2019માં પ્રિયંકા ગાંધી જ્યારે સક્રિય રાજકારણમાં આવી ત્યારથી તેની ચૂંટણી લડવાને લઈ તમામ પ્રકારની ભવિષ્યવાણી કરવામાં આવી હતી.ક્યારેક તેમના માટે ઉત્તરપ્રદેશની પરંપરાગત અમેઠી સીટ તો ક્યારેક માતા સોનિયા ગાંધીની રાયબરેલી સીટ તો ક્યારેક વારાણસી લોકસભા સીટથી ચૂંટણી લડવાનો દાવો કરવામાં આવ્યો પણ તે ક્યારેય ચૂંટણી મેદાનમાં ઉતરી નહીં.
પ્રિયંકા ગાંધી વાડ્રા પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં
જો કે હવે પાર્ટીએ પ્રિયંકા ગાંધી વાડ્રાને વાયનાડ સીટથી પેટાચૂંટણીમાં ઉતારવાની જાહેરાત કરી દીધી છે. અત્યાર સુધી પોતાને ચૂંટણી પ્રચાર સુધી સીમિત રાખનારી પ્રિયંકા ગાંધી વાડ્રા હવે પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવશે. પ્રિયંકા ગાંધી હવે આ ચૂંટણીમાં જીત મેળવશે તો સંસદીય ઈતિહાસમાં આ એક ઐતિહાસિક ક્ષણ હશે. જો પ્રિયંકા ગાંધી વાયનાડથી લોકસભા પેટાચૂંટણી જીતી લે છે તો પ્રથમ વખત એવુ થશે કે જ્યારે ગાંધી-નેહરૂ પરિવારમાંથી માતા, પુત્ર અને પુત્રી એક સાથે સંસદમાં હશે. સોનિયા ગાંધી હાલમાં રાજ્યસભા સાંસદ છે તો રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી જીતી લોકસભામાં પહોંચ્યા છે.
સસરા અને જમાઈ પણ એક સાથે લોકસભા સાંસદ રહ્યા હતા
જો કે તમને જણાવી દઈએ કે આ પહેલા ઘણી વખત આ ગાંધી-નેહરૂ પરિવારના ઓછામાં ઓછા 2 સભ્ય એક સમયમાં સંસદ રહ્યા છે. પંડિત જવાહરલાલ નેહરૂ વડાપ્રધાન રહ્યા તે દરમિયાન તેમના જમાઈ ફિરોઝ ગાંધી લોકસભા સાંસદ રહ્યા હતા. ફિરોઝ ગાંધી પહેલા 1952માં પછી 1957માં રાયબરેલી લોકસભા સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ દરમિયાન વડાપ્રધાન નેહરૂ પણ લોકસભા સાંસદ હતા. ઈન્દિરા ગાંધીએ પ્રથમ વખત 1964માં રાજ્યસભાના સભ્ય બનવાની સાથે પોતાના સંસદીય કરિયરની શરૂઆત કરી હતી. જ્યારે તેમને 1967માં પ્રથમ વખત લોકસભા ચૂંટણી જીતી હતી.
1980ની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધી સાંસદ તરીકે ચૂંટાયા હતા, ત્યારે તેમના પુત્ર સંજય ગાંધી પણ અમેઠી સીટથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. સંસદમાં પ્રથમ વખત ગાંધી-નેહરૂ પરિવારમાંથી માતા-પુત્રની જોડી સાંસદ બની હતી પણ થોડા મહિના બાદ એક વિમાન દુર્ઘટનામાં સંજય ગાંધીનું મોત થયું હતું. ત્યારબાદ આ સીટ પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી, તે સીટ પર સંજય ગાંધીના મોટાભાઈ રાજીવ ગાંધીએ 1981માં અમેઠી સીટ પર થયેલી પેટાચૂંટણીમાં પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી અને લોકસભા પહોંચ્યા. ત્યારે ઈન્દિરા ગાંધી પણ લોકસભા સાંસદ હતા અને તેમના પુત્ર પણ સાંસદ તરીકે ચૂંટાયા હતા.
ત્યારબાદ 2004માં ગાંધી-નેહરૂ પરિવારમાંથી માતા-પુત્રની જોડી ફરીથી સંસદ પહોંચી. સોનિયા ગાંધી રાયબરેલીથી સાંસદ તરીકે ચૂંટાયા અને તેમના પુત્ર રાહુલ ગાંધીએ અમેઠીથી પોતાની રાજકીય સફરની શરૂઆત કરતા પ્રથમ જીત મેળવી.
મેનકા ગાંધી અને પુત્ર વરૂણ ગાંધીની જોડી પણ સંસદમાં
ફિરોઝ અને ઈન્દિરા ગાંધીનો બીજો પુત્ર સંજય ગાંધીનો પરિવાર પણ સતત રાજનીતિમાં જોડાયેલો છે. સંજય ગાંધીની પત્ની મેનકા ગાંધી અને તેમના પુત્ર વરૂણ ગાંધીની જોડી પણ સંસદમાં 3 વખત બનેલી રહી. વરૂણ ગાંધીએ પોતાના કરિયરની શરૂઆત 2009માં પીલીભીત સીટથી ચૂંટણી જીતીને કરી. ત્યારે આંબલા સીટથી મેનકા ગાંધી સંસદ તરીકે ચૂંટાઈ. 2014માં વરૂણ ગાંધી સુલ્તાનપુરથી સાંસદ બન્યા તો માતા મેનકા પીલીભીતથી લોકસભામાં પહોંચી. 2019માં વરૂણ પીલીભીતથી ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા તો મેનકાએ સુલ્તાનપુરથી જીત મેળવી હતી.
જો કે 2024માં મેનકા ઘણા સંઘર્ષ બાદ પણ ચૂંટણીમાં હારી ગઈ, જ્યારે તેમના પુત્રને ભાજપે મેદાનમાં ઉતાર્યો નહતો. બીજી તરફ 2004થી લઈ અત્યાર સુધી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની જોડી સંસદમાં બનેલી છે પણ હાલમાં સોનિયા ગાંધી લોકસભાની જગ્યાએ રાજ્યસભાના સભ્ય છે.
સંસદમાં પોતાના દિકરા-દિકરી સાથે જોવા મળશે સોનિયા ગાંધી
ત્યારે હવે 20 વર્ષ બાદ 2024માં માતા-પુત્રની આ જોડી વધુ એક ડગલુ આગળ વધારતા પોતાની સાથે દિકરી પ્રિયંકા ગાંધીને પણ સામેલ કરવા જઈ રહી છે. આગામી 6 મહિનાની અંદર વાયનાડ સીટ પર પેટાચૂંટણી કરાવવામાં આવશે. પેટાચૂંટણીમાં જો પ્રિયંકા જીત મેળવે છે તો 6 મહિના બાદ ગાંધી પરિવારના 3 સભ્ય એક સાથે સંસદમાં જોવા મળશે તો બીજી તરફ મેનકા ગાંધીના પરિવારમાંથી કોઈ સભ્ય સંસદમાં જોવા મળશે નહીં.