• કોચિંગ સેન્ટર્સની મનમાની પર અંકુશ લાદવા સરકારે નવી ગાઇડલાઇનનો મુસદ્દો તૈયાર કર્યો

  • દરેક કોચિંગ ક્લાસ હવેથી પોતાની જાહેરાતોમાં 100 ટકા સિલેક્શન કે નોકરી અપાવવાનો દાવો નહીં કરી શકે
  •  ગ્રાહક બાબતોના મંત્રાલયે નવી ગાઇડલાઇનને જાહેર કરી જનતા પાસે 30 દિવસમાં તેમનો અભિપ્રાય માગ્યો

દેશમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા અને પોતાની મનમાની ચલાવતા કોચિંગ સેન્ટર્સ સામે હવે સરકારે પોતાની આંખ કરડી કરી છે. કેન્દ્ર સરકાર હવે મોટી-મોટી વાતો મારતા કોચિંગ સેન્ટર્સ પર શિકંજો કસવાની તૈયારીમાં છે. સરકાર કોચિંગ સેન્ટર્સની મનમાનીને રોકવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને હવે તેણે આ દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ પણ કરી છે. આ કોચિંગ સેન્ટર્સની મનમાની રોકવા માટે સરકારે તૈયારી કરી છે. કોચિંગ સેન્ટર્સની ભ્રામક જાહેરાતો સામે લગામ કસવા માટે હવે સરકારે એક નવી ગાઇડલાઇનનો મુસદ્દો તૈયાર કર્યો છે. આ મુસદ્દામાં કહેવામાં આવ્યું છે કે કોગિં સેન્ટર્સ 100 ટકા સિલેક્શન અથવા તો કોર્સ બાદ નોકરી અપાવવાનો કોઇપણ પ્રકારનો દાવો પોતાની જાહેરાતોમાં નહીં કરી શકે. કોચિંગ સેન્ટર્સની મનમાનીને રોકવા માટે સેન્ટ્રલ કન્ઝયૂમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ આ નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. અને હવે તેને જાહેર કરવામાં આવ્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જનતા પાસે આ મુસદ્દા પર 30 દિવસમાં તેમનો અભિપ્રાય માગ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે કોઇપણ કોચિંગ સંસ્થા જરૂરી જાણકારીને જાહેરાતમાં છુપાવી નહીં શકે. ઉલ્લેખનીય છે કે કોચિંગ સંસ્થાઓ મોટાભાગે પોતાની જાહેરાતોમાં મહત્ત્વપૂર્ણ જાણકારીઓ છુપાવી લેતી હોય છે. જેમ કે કોર્ટ પેઇડ છે કે પછી ફ્રી, કોર્સની ડયૂરેશન શું છે? સફળ કેન્ડિડેટે કયો કોર્સ પસંદ કર્યો હતો અને તેમણે કેટલા દિવસ સુધી કોચિંગ કર્યુ હતું. ઉપરાંત જાહેરાતોમાં સંસ્થાના સફળતાના દર અંગે ખોટી માહિતી પણ નહીં આપી શકાય. કોચિંગ સંસ્થાઓ કોઇપણ પ્રકારના પુરાવા વિનાજ રેન્કિંગ અને પસંદગીનો દાવો કરતા હોય છે.

મંજૂરી વિના કેન્ડિડેટનો ફોટો નહીં વાપરી શકાય

સરકારે તૈયાર કરેલા નવા નિયમોમાં જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી કેન્ડિડેટની સહમતી ન લઇ લેવામાં આવે ત્યાં સુધી તે કેન્ડિડેટનો ફોટો, વીડિયો અથવા તો નામ કે પછી તેના વિવરણનો કોચિંગ સેન્ટર્સ પોતાની જાહેરાતમાં ઉપયોગ નહીં કરી શકે. કોચિંગ સંસ્થાઓ વિદ્યાર્થીની મંજૂરી મેળવ્યા વિના જ તેમનો રેન્ક, માર્ક્સ વિશે માહિતી જાહેર કરે તે પણ યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આ ગાઇડલાઇન્સ તૈયાર કરવામાં આવી તે પહેલા 8 ડિસેમ્બર, 2023ના રોજ એક પેનલ બનાવવામાં આવી હતી. અને પેનલ દ્વારા એક મહિનાના સમયગાળામાં કોચિંગ સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોની પણ સલાહ લેવામાં આવી હતી.

ગાઇડલાઇન હાલમાં જાહેર થઇ હતી

કેન્દ્ર સરકારે હજુ થોડા સમય પહેલાં જ દેશની તમામ ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે ગાઇડલાઇન પ્રસિદ્ધ કરી હતી. તેમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવાયું હતું. તે ઉપરાંત કોચિંગ સંસ્થાઓમાં 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ આપવા સામે પણ પ્રતિબંધ છે. દેશમાં કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યા કરવાના કેસોમાં થઇ રહેલા વધારાને જોતા કેન્દ્ર સરકાર દ્વારા આ ગાઇડ - લાઇન પ્રસિદ્ધ કરવામાં આવી હતી. કોચિંગ સંસ્થાઓએ ફાયર સેફ્ટી, બિલ્ડિંગની સુરક્ષા સહિતના વિવિધ માપદંડોને પણ ધ્યાનમાં રાખવા જોઇએ અને એટલું જ નહીં તેમણે વિદ્યાર્થીઓની સાઇકોલોજી અને માનસિક આરોગ્યનું પણ ધ્યાન રાખવું જોઇએ.


  • Follow us on: