કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભાના સભ્યોના પગારમાં 24% વધારો કરવાની જાહેરાત કરી છે. વર્તમાન સાંસદોનો પગાર વધીને 1.24 લાખ રૂપિયા પ્રતિ માસ થયો છે.જ્યારે પૂર્વ સાંસદોના પેન્શનમાં દર મહિને 31,000 રૂપિયાનો વધારો થયો છે. આ સિવાય ભથ્થા અને અન્ય સુવિધાઓમાં પણ વધારો થયો છે. કેન્દ્ર સરકારે સંસદના સભ્યો (લોકસભા અને રાજ્યસભા)ના પગારમાં 24%નો મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. આ 1 એપ્રિલ 2023થી લાગુ થશે. વર્તમાન સભ્યોના મૂળ પગાર અને દૈનિક ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. વર્તમાન સાંસદોના પગાર ઉપરાંત પૂર્વ સાંસદોના પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
જાણો કેટલી થઈ સેલેરી અને પેન્શનની રકમ
વર્તમાન સાંસદોને હવે દર મહિને 1.24 લાખ રૂપિયાનો પગાર મળશે, જ્યારે પહેલા તેઓને દર મહિને 1 લાખ રૂપિયા મળતા હતા.દૈનિક ભથ્થું 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરવામાં આવ્યું છે. પૂર્વ સાંસદોનું પેન્શન 25,000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 31,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે. પાંચ વર્ષથી વધુની સેવાના દરેક વર્ષ માટે વધારાનું પેન્શન 2,000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 2,500 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે. સાંસદોના મૂળ પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેને 50 હજારથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ પહેલા પણ કેટલાક રાજ્યોએ તેમના ધારાસભ્યોના પગારમાં વધારો કર્યો છે. તાજેતરમાં, કર્ણાટક સરકારે મુખ્યમંત્રી અને તેમના કેબિનેટ મંત્રીઓ સહિત રાજ્યના ધારાસભ્યોના પગારમાં 100% વધારો કર્યો છે.
મતવિસ્તાર ભથ્થામાં પણ વધારો થયો
સાંસદોને હવે દર મહિને 87 હજાર રૂપિયાનું મતવિસ્તાર ભથ્થું મળશે.પહેલા તે 70 હજાર રૂપિયા હતો. ઓફિસ ખર્ચની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેને 60 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવ્યો છે. તેમાંથી 50 હજાર રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરની સેવાઓ માટે અને 25 હજાર રૂપિયા સ્ટેશનરી માટે રહેશે. સાંસદો તેમના કાર્યકાળ દરમિયાન 1 લાખ રૂપિયાનું ફર્નિચર પણ ખરીદી શકે છે. પહેલા આ મર્યાદા 80 હજાર રૂપિયા હતી.
સાંસદોને મળે છે આ ખાસ સુવિધાઓ
દેશના દરેક સાંસદને દર વર્ષે 34 ફ્રી એર ટ્રિપની સુવિધા મળે છે. જો સાંસદ ઈચ્છે તો તેઓ તેમના સાથીદારો અથવા સ્ટાફને 8 ટ્રિપ્સ ટ્રાન્સફર કરી શકે છે. તેમને રેલવેમાં તમામ વર્ગોમાં મફત મુસાફરીની સુવિધા પણ મળે છે. સંસદ સત્ર દરમિયાન સંસદસભ્યોને દિલ્હીમાં પરિવહનની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ સુવિધાઓ ઉપરાંત દિલ્હીમાં સરકારી આવાસ પણ ઉપલબ્ધ છે. સરકારી આવાસ અને ઓફિસો માટે દર વર્ષે 50 હજાર યુનિટ મફત વીજળી અને 4 લાખ લિટર મફત પાણી ઉપલબ્ધ છે.
સાંસદોને મળે છે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર
લોકસભાના સાંસદોને વાર્ષિક 1,50,000 ફ્રી કોલ્સ અને રાજ્યસભાના સાંસદોને 50,000 ફ્રી કોલ મળે છે.એટલું જ નહીં, સાંસદોને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મફત તબીબી સુવિધા મળે છે. ભૂતપૂર્વ સાંસદો પણ CHGS હેઠળ તબીબી સુવિધાઓ મેળવવાનું ચાલુ રાખે છે. સાંસદોને સરકારી વાહનો, સંશોધન અને સ્ટાફ સહાયકો માટેની સુવિધાઓ અને સાંસદની કેન્ટીનમાં સબસિડીવાળા દરે ભોજન પણ મળે છે.