- એડવોકેટ કમિશ્નર અજય મિશ્રાની હાજરીમાં 6-7 મેના રોજ થયો હતો સર્વે
- અજય મિશ્રાએ જ્ઞાનવાપી સર્વેનો રિપોર્ટ કોર્ટને સોંપ્યો
- જ્ઞાનવાપી સંકુલમાં ઉત્તરથી પશ્ચિમના દિવાલના ખૂણા પર જૂના મંદિરોનો કાટમાળ મળ્યો
પૂર્વ એડવોકેટ કમિશનર અજય મિશ્રાએ વારાણસી કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે રિપોર્ટ રજૂ કરી દીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સર્વે રિપોર્ટમાં અજય મિશ્રાએ દાવો કર્યો છે કે જ્ઞાનવાપી સંકુલમાં ઉત્તરથી પશ્ચિમ દિવાલના ખૂણા પર જૂના મંદિરોનો કાટમાળ મળ્યો હતો જેના પર દેવી-દેવતાઓની કલાકૃતિઓ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત ઉત્તરથી પશ્ચિમ તરફ આગળ વધતાં સીમના મધ્યમાં શેષનાગની કલાકૃતિ અને નાગફણી જેવી આકૃતિઓ પણ જોવા મળી છે.
વારાણસી કોર્ટના આદેશ પર એડવોકેટ કમિશનર અજય મિશ્રાએ 6 અને 7 મેના રોજ જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કર્યો હતો. જોકે બાદમાં વિરોધને કારણે તેમણે આ સર્વે અટકાવવો પડ્યો હતો. ત્યારબાદ મુસ્લિમ પક્ષે એડવોકેટ કમિશનર અજય મિશ્રાને કોર્ટમાંથી હટાવવાની માંગણી કરી હતી. જો કે કોર્ટે અજય મિશ્રાને હટાવવાનો ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત વિશાલ સિંહ અને અજય સિંહની પણ કોર્ટ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરીને 17 મે સુધીમાં રજૂઆત કરવાનો આદેશ આપ્યો હતો.










