• રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સચિવે આપી માહિતી
  • આગામી મકરસંક્રાંતિ સુધીમાં મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે
  • ઉગતા સૂર્યના કિરણો મૂર્તિના મસ્તક પર પડશે

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું લગભગ અડધું કામ પૂર્ણ થઈ ગયું છે. આગામી મકરસંક્રાંતિ સુધીમાં, મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે, જ્યાં ઉગતા સૂર્યના કિરણો મૂર્તિના મસ્તક પર પડશે. મકરસંક્રાંતિના તહેવારના એક દિવસ પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે શુક્રવારે પત્રકારોને રામ જન્મભૂમિ સંકુલમાં બાંધકામની પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે પ્રવેશવાની મંજૂરી આપી હતી.

ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે આખો દેશ મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરી રહ્યો છે અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. અમે રામ મંદિર નિર્માણના અમારા અડધાથી વધુ લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે. તેમણે કહ્યું કે 2024માં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે કે તરત જ ભગવાન રામ તેમના મૂળ ગર્ભગૃહમાં બિરાજશે.

ચંપત રાયે કહ્યું કે અત્યાર સુધી મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું નિર્માણ કાર્ય 50 ટકાની નજીક પહોંચી ગયું છે. એવું માનવામાં આવે છે કે આ વર્ષે ઓગસ્ટ સુધીમાં ભગવાન શ્રી રામના ગર્ભગૃહનો ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર થઈ જશે. તેમણે કહ્યું કે જમીનથી 21 ફૂટ ઉંચા પ્લેટફોર્મનું નિર્માણ થઈ ચૂક્યું છે. 11 ફૂટની ઉંચાઈ સુધી પત્થરોનું લેયરિંગનું કામ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ભગવાન રામલલાના ગર્ભગૃહના ગ્રાઉન્ડ ફ્લોરમાં 170 સ્તંભ હશે.

બાંધકામ પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇજનેરોના જણાવ્યા અનુસાર, ગર્ભગૃહનું કામ આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. રામ મંદિર નિર્માણ કાર્યના પ્રોજેક્ટ મેનેજર જગદીશ આફલેએ જણાવ્યું કે રામ મંદિરના નિર્માણમાં બે આર્કિટેક્ટ સી.બી સોમપુરા અને જય કાર્તિક સામેલ છે. આફલેએ કહ્યું કે અત્યાર સુધીમાં મંદિર નિર્માણનું 45 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે.

તેમણે કહ્યું કે અમે ગર્ભગૃહને એવી રીતે ડિઝાઇન કરી રહ્યા છીએ કે ઉગતા સૂર્યના કિરણો મૂર્તિઓના માથા પર પડે. મંદિર હજાર વર્ષ સુધી સુરક્ષિત રહે તે માટે આર્કિટેક્ટ અને એન્જિનિયરોએ ખાસ ધ્યાન આપ્યું છે.


  • Follow us on: