• ચારધામ યાત્રા માટે ભીડ ઊમટી, 31 મે સુધી ઓફલાઇન નોંધણી સ્થગિત

  • ધર્મશાળાઓ અને હોટલની રસીદો જોઈને જ ફસાયેલા તીર્થયાત્રીની વિશેષ નોંધણી
  • ઉત્તરાખંડના મુખ્ય સચિવે મંગળવારે યાત્રા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા ઋષિકેશ પહોંચ્યા હતા

બદરીનાથ-કેદારનાથ સહિતના ચારધામના દર્શન માટે દેશના વિવિધ રાજ્યોમાંથી તીર્થયાત્રી ઉત્તરાખંડ પહોંચી રહ્યા છે. પરંતુ તીર્થયાત્રીઓની ભારે ભીડને જોતાં સરકારે 31 મે સુધી ઓફલાઇન નોંધણી સ્થગિત કરી દીધી છે. ઋષિકેશ અને હરિદ્વારના હોલ્ડિંગ પોઇન્ટ પર 3,000 તીર્થયાત્રીની હાજરી છે. ચારધામથી તમામ તીર્થયાત્રી સકુશળ પાછા ફરી રહ્યા છે. ભક્તોની સતત વધી રહેલી સંખ્યાને જોતાં ભાવિ સમસ્યાઓના નિરાકરણ માટે ચારધામ આવેલા છે તે સંબંધિત જિલ્લાના વડાને રોકાણ માટેના નવા સ્થાનો ચિહનીત કરીને ત્યાં પાર્કિંગની વ્યવસ્થા વિકસાવવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા વડાને ચારધામ યાત્રાના સફળ સંચાલન માટે નેશનલ ટૂર ઓપરેટર્સ સાથે સહયોગ સાધવા અને દેશના જે રાજ્યોના જિલ્લામાંથી સૌથી વધુ સંખ્યામાં તીર્થયાત્રી આવતા હોય તે જિલ્લાના વડા અને વહીવટીતંત્ર સાથે સાથે સંવાદ વધારવા પણ સૂચના આપવામાં આવી છે.

નોંધાણી માટે ભીડ ઊમટી

ચારધામ યાત્રા માટે નોંધણી શરૂ થઈ હોવાની જાણકારી મળતાં મંગળવારે હરિદ્વાર પર્યટન વિભાગના કાર્યાલયે તીર્થયાત્રીઓની ભીડ ઊમટી હતી. તેઓ ચારધામ જવાની જીદ કરવા લાગ્યા. ત્રણ કલાક સુધી ભીડ રહી. તે પછી વિશેષ નોંધણી થશે તે જાણકારી મળ્યા પછી જ તીર્થયાત્રીઓએ કાર્યાલય છોડયું. તે પછી હોટલ અને ધર્મશાળાઓની રસીદો જોઈને ફસાયેલા તીર્થયાત્રીની વિશેષ નોંધણી થઈ. સોમવારે 2010 તીર્થયાત્રીને આ રીતની વિશેષ નોંધણીની મદદથી ચારધામ માટે રવાના કરવામાં આવ્યા.મંગળવારે પણ આ જ રીતે રસીદો ધરાવતા તીર્થયાત્રીને ચારધામ યાત્રા માટે રવાના કરવામાં આવ્યા હતા.

ઓનલાઇન નોંધણીની ફુલપ્રૂફ વ્યવસ્થા કરવા સૂચના

ઉત્તરાખંડના મુખ્ય સચિવે મંગળવારે યાત્રા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા ઋષિકેશ પહોંચ્યા હતા. ચારધામ યાત્રાને બહેતર અને સુગમ કરવા સામૂહિક પ્રયાસોની જરૂર હોવા પર ભાર મૂકતાં તેમણે ટેક્નોલોજીની મદદથી પ્રંબધનના સ્થાયી સમાધાનો શોધવા અનુરોધ કર્યો હતો. મુખ્ય સચિવે તીર્થયાત્રીઓની સુવિધા માટે ફુલપ્રૂફ ઓનલાઇન નોંધણી વ્યવસ્થા વિકસાવવા અધિકારીઓને સૂચના આપી હતી.

  • Follow us on: