હરિયાણા વિધાનસભાની ચૂંટણી પરિણામનું ધીરે ધીરે ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. બીજેપીની હેટ્રિક વાગતી દેખાઇ રહી છે. તેવામાં કોંગ્રેસે ચૂંટણી પંચની વેબસાઇટ પર પરિણામ મોડેથી અપડેટ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઇને કોંગ્રેસને ઇલેક્શન કમિશને વળતો જવાબ આપ્યો છે.

કોંગ્રેસના આરોપ પાયાવિહોણા
ચૂંટણી પંચે કહ્યું કે પરિણામો અપડેટ કરવામાં વિલંબ કરવાનો કોંગ્રેસનો આરોપ પાયાવિહોણો છે. રેકોર્ડમાં આ સાબિત કરવા માટે કંઈ નથી. ચૂંટણી પંચે આ આરોપને બેજવાબદાર, પાયાવિહોણા અને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યો છે. પોતાના નિવેદનમાં જયરામ રમેશે માત્ર ચૂંટણી પંચ પર જ નહીં પરંતુ ભાજપ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

ચૂંટણી પંચે નકાર્યા આરોપ
જયરામ રમેશના આરોપોને નકારી કાઢતા ચૂંટણી પંચે કહ્યું કે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો ECIની વેબસાઈટ પર દર 5 મિનિટે અપડેટ કરવામાં આવે છે. મતગણતરીનાં લગભગ 25 રાઉન્ડ થયા અને મતગણતરીનાં દરેક રાઉન્ડ પૂર્ણ થયાની પાંચ મિનિટમાં ડેટા ECI વેબસાઇટ પર પ્રતિબિંબિત થયા છે. આમ, ચૂંટણી પંચે જયરામના આરોપોને બેજવાબદાર, તથ્યહીન અને ખોટા ગણાવીને નકારી કાઢ્યા.

કોંગ્રેસ હારનું બહાનું કાઢી રહી છે- બીજેપી
ભાજપે ટોણો મારતા કહ્યું કે કોંગ્રેસ પોતાની હારનું બહાનું બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે હકીકતમાં આ કોંગ્રેસનું ખોટું વલણ છે. તેમના એજન્ટો મતદાન મથકો પર હાજર છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પોતાની હારને જોઈને માત્ર બહાના બનાવી રહી છે. અંતિમ પરિણામો બહાર ન આવે ત્યાં સુધી વલણો પરના નિષ્કર્ષની રાહ જોવી જોઈએ.

  • Follow us on: