હરિયાણા ભાજપ પ્રમુખ મોહન લાલ બડોલીએ હરિયાણા સરકારના મંત્રી અનિલ વિજને કારણ દર્શક નોટિસ ફટકારી છે. વિજ પર પાર્ટી શિસ્ત તોડવા અને વિચારધારા વિરુદ્ધ કામ કરવાનો આરોપ છે. રાજ્ય ભાજપ પ્રમુખે વિજને આગામી ત્રણ દિવસમાં નોટિસનો જવાબ આપવા માટે પણ કહ્યું છે.
મુખ્યપ્રધાન નાયબ સિંહ સૈની પર પણ નિશાન સાધ્યું
એવું કહેવામાં આવી રહ્યું છે કે હરિયાણા સરકારના મંત્રી અનિલ વિજે હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને રાજ્ય ભાજપ વડા વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા. હિમાચલ ગેંગરેપ કેસમાં FIR નોંધાયા બાદ વિજે હરિયાણા ભાજપ પ્રમુખ પાસેથી રાજીનામું માગ્યું હતું. આ ઉપરાંત તેમણે મુખ્યપ્રધાન નાયબ સિંહ સૈની પર પણ નિશાન સાધ્યું છે.
નોટિસમાં શું લખ્યું છે?
અનિલ વિજને આપવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તમને જાણ કરવામાં આવે છે કે તમે તાજેતરમાં પાર્ટી પ્રમુખ અને પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર વિરુદ્ધ જાહેરમાં નિવેદનો આપ્યા છે. આ ગંભીર આરોપો છે અને પક્ષની નીતિ અને આંતરિક શિસ્તની વિરુદ્ધ છે. આ પગલું ફક્ત પાર્ટીની વિચારધારા વિરુદ્ધ નથી, પરંતુ તે એવા સમયે પણ બન્યું છે, જ્યારે પાર્ટી પડોશી રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરી રહી હતી.
ભાજપ અધ્યક્ષના નિર્દેશ પર નોટિસ મોકલવામાં આવી
નોટિસમાં વધુમાં જણાવાયું છે કે ચૂંટણી સમયે એક સન્માનજનક મંત્રી પદ સંભાળતા તમે આ નિવેદનો એ જાણીને આપ્યા છે કે આવા નિવેદનો પાર્ટીની છબીને નુકસાન પહોંચાડશે અને આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. રાષ્ટ્રીય અધ્યક્ષની સૂચના મુજબ આ કારણદર્શક નોટિસ તમને જાહેર કરવામાં આવી રહી છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે આ વિષય પર 3 દિવસની અંદર લેખિત સમજૂતી આપો.