હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પહેલા બીજેપી વરિષ્ઠ નેતા અનિલ વિજે સીએમ પદ માટે દાવો કરવાની વાત કરી છે. ભાજપે હરિયાણાની અંબાલા કેન્ટ વિધાનસભા સીટ પરથી અનિલ વિજને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. હવે તેમના નિવેદનથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનિલ વિજે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. અનિલ વિજ કહે છે કે તેઓ પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતા છે, તેઓ 6 વખત ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે. તેમનું કહેવું છે કે તેઓ તેમની વરિષ્ઠતાના આધારે સીએમ પદ માટે દાવો રજૂ કરશે. જો કે સીએમ કોણ હશે તે પાર્ટી નક્કી કરશે.
સીએમ પદ માટે દાવો રજૂ કરશે
અંબાલા કેન્ટ વિધાનસભા મતવિસ્તારના બીજેપી ઉમેદવાર અનિલે રવિવારે પત્રકારો સાથે વાત કરતા આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે હું હરિયાણામાં બીજેપીનો સૌથી સિનિયર ધારાસભ્ય છુ. મેં 6 વખત ચૂંટણી લડી છે. પરંતુ આ વખતે હું લોકોની માગ પર અને વરિષ્ઠતાને આધારે મારી સિનિયોરિટી પદ માટે દાવો કરીશ. જો કે આ નિર્ણય હાઇકમાનના હાથમાં છે કે તેઓ મને સીએમ બનશે કે નહી. અને જો મને સીએમ બનાવશે તો હું હરિયાણાની તસવીર બદલી નાંખીશ.
5 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે
ઉલ્લેખનીય છે કે હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એક તરફ ભાજપ પોતાની સરકાર પરત આવવાનો દાવો કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પુરી તાકાત સાથે ચૂંટણીમાં ઉતરી રહી છે. જો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન કંઇ કામ ન કરી શકે તો તેનો ફાયદો બીજેપીને મળી શકે છે. જો કે 8 ઑક્ટોબરે મતગણતરી બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.









