હરિયાણામાં ત્રીજી વખત ભાજપની સરકાર બનવા જઇ રહી છે. આજે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં ધારાસભ્ય દળના નેતા તરીકે નાયબ સિંહ સૈનીના નામ પર મહોર લગાવવામાં આવી છે. આ બેઠકમાં અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને કેન્દ્રીય નિરીક્ષક તરીકે હાજર રહ્યા હતા. પંચકુલાના ભાજપ કાર્યાલયમાં સવારે 11 વાગે બેઠક મળી હતી.
અનિલ વીજે નાયબ સૈનીના નામનો મૂક્યો પ્રસ્તાવ
મળતી માહિતી મુજબ બેઠક દરમિયાન અનિલ વિજે પોતે સીએમ પદ માટે નાયબ સૈનીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. કેબિનેટ મંત્રીઓમાં કયા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. આ સાથે છેલ્લા ઘણા દિવસોથી મુખ્યમંત્રી પદને લઈને અટવાયેલી મૂંઝવણનો ઉકેલ આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ મુખ્યમંત્રી પદ અંગેના નિર્ણય માટે હરિયાણા પહોંચ્યા હતા. આ બેઠકમાં હરિયાણાના તમામ 48 ધારાસભ્યો પણ હાજર હતા.
દિલ્હી આવ્યા હતા નાયબ સૈની
ઉલ્લેખનીય છે કે 9 ઓક્ટોબરના રોજ નાયબ સિંહ સૈની નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમને આગામી સીએમ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું તે સંસદીય બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે.
17 ઑક્ટોબરે શપથ ગ્રહણ
મહત્વનું છે કે હરિયાણાની 90 બેઠકોમાંથી ભાજપે 48 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસને 37 બેઠકો મળી હતી. ત્રણ અપક્ષ ધારાસભ્યોએ પણ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. નવી સરકારના શપથ ગ્રહણ માટે 17 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે. આજે ધારાસભ્ય દળની બેઠક બાદ રાજ્યપાલને કેબિનેટ અને રાજ્ય મંત્રી તરીકે શપથ લેનારા ધારાસભ્યોની યાદી સોંપવામાં આવશે. ત્યાર બાદ રાજ્યપાલ 17 ઓક્ટોબરે શપથ ગ્રહણ માટે આમંત્રણ આપશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને એનડીએ સહયોગીઓ ભાગ લેશે. આ ઉપરાંત વિવિધ પક્ષોના વિપક્ષી નેતાઓ, પ્રગતિશીલ ખેડૂતો, લાખપતિ દીદીઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.









