- સરકારે કલમ 370 હટાવ્યા પછી કાશ્મીરમાં બદલાવ-સુધારાની વિગતો રજૂ કરી
- કોર્ટ દ્વારા સરકારે રજૂ કરેલી નવી એફિડેવિટની વિગતોને ધ્યાનમાં લેવાશે નહીં
- આતંકવાદના ખાતમા માટે કલમ 370 હટાવવી જરૂરી હતી
સુપ્રીમ કોર્ટે 3 વર્ષના અંતરાલ પછી મંગળવારે જમ્મુ કાશ્મીરને રાજ્યનો વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને હટાવવાના સરકારના નિર્ણયને પડકારતી 20 અરજી પર સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે નક્કી કર્યું હતું કે 2 ઓગસ્ટથી કોર્ટમાં આ કેસની દરરોજ ફાસ્ટ ટ્રેક સુનાવણી હાથ ધરવામાં આવશે. દર અઠવાડિયે મંગળવાર, બુધવાર અને ગુરુવારે કોર્ટ દલીલો સાંભળશે. કોર્ટે તમામ પક્ષકારોને 27 જુલાઈ સુધીમાં તેમના જવાબો લેખિતમાં રજૂ કરવા આદેશ આપ્યો હતો. CJI ડી વાય ચંદ્રચૂડના વડપણ હેઠળ જસ્ટિસ સંજય કે કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી આર ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત સહિત 5 જજિસની બંધારણીય બેન્ચ દ્વારા કેસની સુનાવણી હાથ ધરાશે. કોર્ટે નક્કી કર્યું હતું કે જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે સરકાર રજૂ કરેલી નવી એફિડેવિટની વિગતોને તે ધ્યાનમાં લેશે નહીં. સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચ ફક્ત બંધારણીય મુદ્દા પર જ સુનાવણી કરશે. જેમાં કેન્દ્રએ રજૂ કરેલી નવી એફિડેવિટ કે તેની વિગતોની કોઈ જરૂર નથી. સરકાર વતી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કલમ 370 હટાવવામાં આવ્યા પછી કાશ્મીરમાં કેવા કેવા અને કેટલા બદલાવ આવ્યા છે તેની વિગતો કોર્ટમાં રજૂ કરી હતી.
આતંકવાદના ખાતમા માટે કલમ 370 હટાવવી જરૂરી હતી










