દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણમાં જબરદસ્ત ફેરફાર જોવા મળી રહ્યો છે. ક્યાંક વરસાદની આગાહી કરવામાં આવી છે તો ક્યાંક હિટવેવ. દેશના ઘણા રાજ્યોમાં ગરમીની શરૂઆત થઇ રહી છે. હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે જળવાયુ પરિવર્તનને કારણે હાર્ટ સંબંધિત બીમારીઓનો ખતરો વધી શકે છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં થયેલી એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે વધતુ તાપમાન અને જળવાયુ પરિવર્તનને કારણે સ્વસ્થ જીવનને નુકસાન થઇ રહ્યું છે. ત્યારે આવો જાણીએ આ સ્ટડીમાં શું દાવો કરવામાં આવ્યો છે અને ગરમી કેવી રીતે સ્વાસ્થ્ય સાથે સંબંધ ધરાવે છે.
શું કહે છે સ્ટડી ?
એડિલેડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના મતે જ્યારે તાપમાન વધે છે, ત્યારે તેની અસર શરીર પર પણ પડે છે. માનવ શરીર પણ ગરમ થવા લાગે છે. આવી સ્થિતિમાં, શરીરને ઠંડુ રાખવા માટે હૃદયને વધુ મહેનત કરવી પડે છે. આ સ્થિતિ એવા લોકો માટે વધુ ખતરનાક છે જેઓ પહેલાથી જ કોઈ સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાઈ રહ્યા છે. વધતી ગરમીને કારણે બ્લડ પ્રેશર અસંતુલિત થઈ શકે છે, જેનાથી હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા હૃદય સંબંધિત રોગોનું જોખમ વધે છે. આવી સ્થિતિમાં વધતા જતા વાતાવરણ પરિવર્તનને કારણે સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે.
ગરમી વધવાની સાથે કેટલા કેસ વધી શકે છે?
અભ્યાસ મુજબ જો ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન જો આ રીતે જ ચાલુ રહે તો આગામી 25 વર્ષમાં હૃદય સંબંધિત રોગોના કેસ ત્રણ ગણા વધી શકે છે. કારણ કે ભારતમાં હૃદય સંબંધિત કેસોમાં ઝડપથી વધારો થયો છે. આવી સ્થિતિમાં હવામાન પરિવર્તનને કારણે હૃદય સંબંધિત રોગોનું જોખમ વધુ વધી શકે છે. વાતાવરણમાં પરિવર્તનને કારણે તાપમાન સતત વધી રહ્યું છે, ભારે ગરમીવાળા દિવસોની સંખ્યા પણ વધી રહી છે, જે આ ખતરાને વધુ વધારી શકે છે.
ભારતના ઘણા ભાગોમાં તાપમાન હાઇ
આબોહવા પરિવર્તનની અસરોને કારણે 2025 સુધીમાં ભારતમાં અતિશય તાપમાન અને હિટવેવની ઘટનાઓમાં વધારો થવાની ધારણા છે. માર્ચ મહિનામાં જ ભારતના ઘણા ભાગોમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. ઓડિશા અને છત્તીસગઢના ઘણા જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચવાનું શરૂ થઈ ગયું છે. હવામાનશાસ્ત્રીઓના મતે આ પરિસ્થિતિ હવામાન પરિવર્તનને કારણે ઊભી થઈ રહી છે. કારણ કે હવામાન પરિવર્તનને કારણે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પણ તાપમાનમાં વધારો નોંધવામાં આવ્યો છે. છેલ્લા દાયકાઓમાં ભારતમાં ઘણી વખત તીવ્ર હિટવેવ અનુભવાય છે જેના કારણે જાનમાલનું નુકસાન અને આર્થિક નુકસાન થયું છે.