• સરમાએ કોંગ્રેસ, પાકિસ્તાન અને તાલિબાનને ગણાવ્યા એક સમાન

  • આસામના CMએ ટ્વિટ કરીને ત્રણેયના નિવેદનો પર શેર કર્યા
  • ઇઝરાયલની મહિલાઓ અને બાળકોના અપહરણ પર કોંગ્રેસ મૌન

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલાની ટીકા ન કરવા બદલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. હિમંતા બિસ્વા સરમાએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન, તાલિબાન અને કોંગ્રેસના નિવેદનોમાં સમાનતા છે. આસામના સીએમએ કોંગ્રેસ અને પાકિસ્તાનના નિવેદનો પણ શેર કર્યા.

કોંગ્રેસ અને પાકિસ્તાનના નિવેદનોમાં સમાનતા

આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ ટ્વીટ કરીને કહ્યું છે કે કોંગ્રેસના પ્રસ્તાવ અને પાકિસ્તાન-તાલિબાનના નિવેદનોમાં સમાનતા છે. ત્રણેયએ હમાસના આતંકી હુમલાઓની નિંદા નથી કરી. ત્રણેયે ઈઝરાયેલ પર આતંકવાદી હુમલાનો મુદ્દો સ્વીકાર્યો નથી અને સાથે સાથે ત્રણેય મહિલાઓ અને બાળકોને બંધક બનાવવાના મુદ્દે પણ મૌન છે. સરમાએ લખ્યું કે તુષ્ટિકરણની રાજનીતિ માટે દેશહિતનું બલિદાન આપવું કોંગ્રેસના ડીએનએમાં છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન, પ્રસ્તાવ પસાર કરીને મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની નિંદા કરવામાં આવી હતી. તેમજ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વિવાદમાં કોંગ્રેસે પેલેસ્ટાઈનનું સમર્થન કર્યું હતું. જો કે, કોંગ્રેસ પાર્ટીએ હમાસનું નામ નથી લીધું કે ન તો ઈઝરાયેલ પરના હુમલાની ટીકા કરી.

ઉલ્લેખનીય છે કે, ગત શનિવારે હમાસના હુમલામાં લગભગ 1200 ઈઝરાયલી નાગરિકોના મોત થયા છે, જ્યારે લગભગ બે હજાર લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલની જવાબી કાર્યવાહીને કારણે ગાઝા પટ્ટીમાં 900થી વધુ લોકોના મોત થયા છે.


  • Follow us on: