• ઝારખંડના ચર્ચાસ્પદ જમીન કૌભાંડનો મામલો

  • સોરેન સહિત પાંચ લોકો સામે દાખલ ચાર્જશીટમાં આ પુરાવા સામેલ કરાયા
  •  ઇડીએ આ કેસમાં ફ્રીજ અને સ્માર્ટ ટીવીના બિલ પણ પુરાવા તરીકે જોડયા

ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. તેમની સામેના 31 કરોડ રૂપિયાથી વધુના 8.86 એકર જમીનના કૌભાંડ મામલે હવે એક નવો વળાંક આવ્યો છે. ઇડીએ આ કેસમાં ફ્રીજ અને સ્માર્ટ ટીવીના બિલ પણ પુરાવા તરીકે જોડયા છે. હેમંત સોરેન તથા અન્ય ચાર લોકો સામે દાખલ કરેલી ચાર્જશીટમાં ઇડીએ આ પુરાવા સામેલ કર્યા છે. ઇડીએ કહ્યું કે સંતોષ મુંડાના પરિવારના બે સભ્યના નામે ફ્રીજ અને ટીવી ખરીદાયા હતા. ફ્રીજ મુંડાના પુત્રના નામે અને સ્માર્ટ ટીવી તેની પુત્રીના નામે ખરીદાયું હતું. સંતોષ મુંડાએ ઇડીને જણાવ્યું હતું કે તે 14-15 વર્ષથી ઉક્ત 8.86 એકર જમીનનું ધ્યાન રાખવાનું કામ કરતો હતો. આ જમીન સાથે પોતાને કોઇ લેવાદેવા નહીં હોવાના હેમંત સોરેનના દાવાનું ખંડન કરવા ઇડીએ મુંડાના આ નિવેદનનો ઉપયોગ કર્યો.

તેણે આ જમીન પર રાજકુમાર પાહન નામના શખ્સનો દાવો પણ ફગાવ્યો હતો. ગત 30 માર્ચે ઇડીએ આ જમીન જપ્ત કરી લીધી હતી. નોંધનીય છે કે સોરેને ગત 31 જાન્યુઆરીએ મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપ્યા બાદ ગણતરીની મિનિટોમાં ઇડીએ જમીન પચાવી પાડવા સંબંધિત મની લોન્ડરિંગ મામલે તેમની ધરપકડ કરી લીધી હતી. હાલ સોરેન રાંચીના હોટવાર સ્થિત બિરસા મુંડા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ઇડીએ દાવો કર્યો કે ગત ઓગસ્ટમાં આ મામલે સોરેનને પહેલું સમન્સ જારી થયા બાદ તુરંત પાહને રાંચીના ડેપ્યુટી કમિશનરને પત્ર લખીને જણાવ્યું હતું કે તેમની તથા અન્ય કેટલાક લોકોની પાસે જમીન છે. અન્ય માલિકોના નામ પર થયેલું અગાઉનું પરિવર્તન રદ કરી દેવામાં આવે. ઇડીનો આરોપ છે કે રાજ્ય સરકારે સોરેનની ધરપકડના બે દિવસ પૂર્વે 29 જાન્યુઆરીએ પાહનને જમીન પાછી આપી દીધી હતી.


  • Follow us on: