- હિમાચલના 10 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ
- ભારે વરસાદને લીધે 58 માર્ગો બંધ થઈ ગયા
- હવામાન વિભાગે 20 ઓગસ્ટ સુધી ભારે વરસાદની કરી આગાહી
હિમાચલ પ્રદેશમાં અનરાધાર વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. હવામાન વિભાગે પ્રદેશના 12 જિલ્લા પૈકા 10 જિલ્લામાં આગામી 20 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. અહીં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લીધે 58 માર્ગો બંધ થઈ ગયા છે. શુક્રવારે રાત્રે શિમલા જિલ્લાના રામપુર વિસ્તારમાં વાદળ ફાટયું હતું. જેથી 30 મીટર લાંબો માર્ગ ધોવાઈ ગયો હતો.
22 ઓગસ્ટ સુધી વરસાદનો કહેર યથાવત્ રહેશે
જો કે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ હોવા છતાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે માર્ગો ધસી જતા નેશનલ હાઈવે નં-5 બંધ કરી દેવામાં આવ્યો છે. જેનાથી કિન્નોર જિલ્લા શિમલાથી સંપર્કવિહોણો થઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં વરસાદ 22 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.

હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધી કુલ 58 માર્ગો બંધ
હિમાચલ પ્રદેશમાં આવેલા શિમલામાં 19, મંડીમાં 14, કાંગડામાં 12, કુલ્લુમાં આઠ, કિન્નોરમાં ત્રણ અને સિરમૌર અને લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં એક-એક માર્ગ બંધ છે. વરસાદને લીધે 31 વીજળી અને ચાર પાણી પુરવઠા યોજનાને નુકસાન થયું છે. સરકારી ડેટા પ્રમાણે 27 જૂનથી શુક્રવાર વચ્ચે વરસાદ સંબંધિત ઘટનાઓમાં 120 લોકો માર્યા ગયા છે. આ સિવાય રાજ્યમાં આશરે 1,129 કરોડ રૂપિયાનું ખર્ચ થયું છે. લાહૌલ અને સ્પીતિ જિલ્લાનું કેલોંગ હિમાચલ પ્રદેશમાં સૌથી ઠંડું સ્થાન રહ્યું, જ્યાં રાત્રીનું તાપમાન 10.7 ડિગ્રી સેલ્સિયસ હતું. જ્યારે ઊના સૌથી ગરમ સ્થાન રહ્યું હતું.
હિમાચલ પ્રદેશમાં 23 લોકો ગુમ
મળતી માહિતી અનુસાર, હિમાચાલના કુલ્લાના નિરમંડ, સૈંજ અને મલાણામાં અચાનક આવેલા પૂર પછી મંડી અને શિમલામાં 23 લોકો ગુમ હોવાનું સામે આવ્યું છે. રામપુરની આસપાસ સુન્ની ડેમ અને સતલજ નદી કિનારે ચાર મૃતદેહ મળી આવ્યા છે. શિમલાના એક સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં આશરે 14 લોકોનો કોઈ પત્તો નથી.