- આક્ષેપોને અમે ફગાવીએ છીએ જે અમને બદનામ કરવા માટે વારંવાર ખોટી રીતે કરવામાં આવે છે
- જાન્યુઆરી 2024માં માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ આક્ષેપોને ખોટા ઠરાવવામાં આવ્યા છે
- બુચ દંપતિએ કહ્યું હતું કે ફંડમાં તેમનું રોકાણ માધબી સેબીમાં સામેલ થયા તેના બે વર્ષ પહેલા કરાયું હતું
અદાણી ગ્રૂપ દ્વારા અમેરિકાની રિસર્ચ અને રોકાણકાર કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા આરોપોને ફગાવવામાં આવ્યા છે. અદાણી ગ્રૂપે આ આરોપોને દુર્ભાવનાપૂર્ણ અને પસંદગીની સાર્વજનિક માહિતીઓ સાથે છેડછાડ કરનારા ગણાવ્યા છે.
અદાણી ગ્રુપે સ્પષ્ટતા કરી હતી કે તેને માર્કેટ નિયામક સેબીનાં ચેરપર્સન કે તેમના પતિ સાથે કોઈ કોમર્શિયલ સંબંધો નથી. અદાણી ગ્રૂપે શેરબજારને આપેલી માહિતીમાં કહ્યું છે કે હિંડનબર્ગ દ્વારા કરવામાં આવેલા નવા આરોપો તેમજ જાહેર કરવામાં આવેલી માહિતી દુર્ભાવનાપૂર્ણ, શરારતી અને પસંદગીની હકીકતો અને માહિતી સાથે છેડછાડ કરનારી છે. જેને હકીકતો તેમજ કાયદાની અવગણના કરીને અંગત રીતે નફો મેળવવા માટે અગાઉથી નક્કી કરવામાં આવેલા તારણો સુધી પહોંચવાનાં ઈરાદાથી જાહેર કરવામાં આવેલ છે. અદાણી ગ્રૂપે સ્પષ્ટતા કરી હતી કે અમારી સામે કરવામાં આવેલા આક્ષેપોને અમે ફગાવીએ છીએ જે અમને બદનામ કરવા માટે વારંવાર ખોટી રીતે કરવામાં આવે છે. આ આરોપોની ઊંડી તપાસ કરવામાં આવી છે અને તે ખોટા પુરવાર તેમજ નિરાધાર પુરવાર થયા છે. જાન્યુઆરી 2024માં માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ આક્ષેપોને ખોટા ઠરાવવામાં આવ્યા છે.










