વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ફ્રાન્સ તેમજ પછીના બે દિવસ અમેરિકા એમ ચાર દિવસની યાત્રા પર જવા રવાના થઈ ગયા છે. તેઓ ફ્રાન્સમાં AIની એક્શન કમિટીના સહ અધ્યક્ષતા સંભાળશે.


તેઓ ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ મેક્રોં સાથે રહીને પહેલા ભારતીય દૂતાવાસનું ઉદ્ઘાટન કરશે અને આંતરરાષ્ટ્રીય થર્મોન્યુક્લિયર રિએક્ટર પ્રોજેક્ટની મુલાકાત લેશે. ફ્રાન્સમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે મંત્રણાઓ કર્યા પછી તેઓ 12થી 14 ફેબ્રુઆરી સુધી અમેરિકાની મુલાકાતે જશે.

મોદીએ બંને દેશના પ્રવાસે રવાના થતા પહેલાં કહ્યું હતું કે હું મારા મિત્ર ટ્રમ્પને મળવા ઉત્સુક છું. ટ્રમ્પ બીજી વખત યુએસનાં રાષ્ટ્રપતિ બન્યા પછી મોદી પહેલી વખત અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. આ પ્રવાસને તેમણે દ્વિપક્ષીય સંબંધોની સફળતા આગળ ધપાવવા માટેની તક ગણાવી છે.

 આ પ્રવાસની સાથે અમેરિકા સાથે ટેક્નોલોજી, વેપાર, સંરક્ષણ, ઊર્જા અને સપ્લાય ચેન સેક્ટરમાં ભાગીદારી વધારવા મંત્રણા કરાશે અને તેને આગળ વધારવાનો એજન્ડા નક્કી કરાશે.

વિશ્વનાં ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરીશું : મોદીએ કહ્યું કે અમેરિકા સાથે મળીને વિશ્વનાં ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરાશે. બંને દેશના લોકોના ભલા માટે કામ કરાશે. હું આ માટે મારા મિત્ર ટ્રમ્પને મળવા ઉત્સુક છું. મારી પાસે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીના નિર્માણ માટે તેમનાં પહેલા કાર્યકાળની સાથે કામ કરવાની યાદો રહેલી છે.

ફ્રાન્સમાં AI એક્શન સમિતિની સહ અધ્યક્ષતા : મોદી ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોંના આમંત્રણથી ત્યાં ગયા છે. તેઓ AI એક્શન કમિટીની સહ અધ્યક્ષતા સંભાળશે. જેમાં AIનાં સમાવેશી, સુરક્ષિત અને ભરોસાપાત્ર ઉપયોગ તેમજ વ્યાપક સાર્વજનિક કાર્યો માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવા ચર્ચા વિચારણા કરાશે.

ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અને 2047ના રોડમેપ અંગે પ્રગતિની સમીક્ષા કરાશે, મોદી મઝારગુએસ યુદ્ધ કબ્રસ્તાનમાં દફનાવેલા ભારતીય સૈનિકોને શ્રાદ્ધાંજલિ અર્પણ કરશે.આ સૈનિકોએ પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં શહીદી વહોરી હતી.


  • Follow us on: