દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ગરમાવો તેજ થયો છે. AAP-કોંગ્રેસ બાદ ભાજપે પણ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સાથે રાજકીય નિવેદનબાજી પણ થઇ રહી છે. કાલકા જી વિધાનસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર રમેશ બિધુરી વધુ એકવાર પોતાના નિવેદનને લઇને વિવાદમાં આવ્યા છે. જેને લઇને કોંગ્રેસ પાર્ટીએ નિવેદનને લઇને આકરા પ્રહારો કર્યા છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
ભાજપના નેતા અને કાલકાજી વિધાનસભા સીટના ઉમેદવાર રમેશ બિધુરીનું વિવાદાસ્પદ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે તેઓ કાલકાજીની ગલીઓને પ્રિયંકા ગાંધીના ગાલની જેમ બનાવી દેશે.એક કાર્યક્રમને સંબોધતા રમેશ બિધુરીએ કહ્યું કે લાલુ યાદવ જુઠ્ઠું બોલતા હતા કે તેઓ બિહારના રસ્તાઓને હેમા માલિનીના ગાલ જેવા બનાવી દેશે. તે તે બનાવી શક્યા નહીં. પરંતુ હું તમને ખાતરી આપું છું કે, કાલકાજીના સુધારા કેમ્પની સામે અને અંદરના તમામ રસ્તાઓ પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેમ ઓખલા અને સંગમ વિહારના રસ્તા બનાવવામાં આવ્યા છે. તેવી જ રીતે કાલકાજીના રસ્તાઓ પણ બનાવવામાં આવશે. કોંગ્રેસે બિધુરીના આ વિવાદિત નિવેદન પર પ્રહારો કર્યા છે, તો બીજી તરફ આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પવન ખેડા શું બોલ્યા ?
રમેશ બિધુરીના આ નિવેદન પર પવન ખેડાએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે આ દુર્વ્યવહાર તેમની માનસિકતા જ નહી પરંતુ તેમના માલિકોની વાસ્તવિકતા દેખાડે છે.
આ છે ભાજપનો અસલી ચહેરો - સુપ્રિયા શ્રીનેત
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે બિધુરીના આ નિવેદનને મહિલા વિરોધી ગણાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે પ્રિયંકા ગાંધીજી અંગે રમેશ બિધુરીનું નિવેદન માત્ર શરમજનક નથી પરંતુ મહિલાઓ પ્રત્યેની તેમની બીમાર માનસિકતા પણ દર્શાવે છે. પરંતુ જે વ્યક્તિએ ગૃહમાં પોતાના સાથી સાંસદ સાથે દુર્વ્યવહાર કર્યો હોય અને તેને કોઈ સજા ન મળી હોય તેના પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય?










