• ઉપરાષ્ટ્રપતિએ રાજ્યસભામાં કહ્યું- મને આ મામલે કોંગ્રેસના મૌનનું દુઃખ

  • જાટ સમાજની માગ : રાહુલ ગાંધી અને કલ્યાણ બેનરજી માફી માગે
  • આખા વિવાદનું મૂળ રાહુલ ગાંધીનો આ વીડિયો ગણાય છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનરજી દ્વારા પોતાની મિમિક્રી અને રાહુલ ગાંધી દ્વારા તેનો વીડિયો ઉતારવા મુદ્દે બુધવારે રાજ્યસભામાં પણ નારાજગી વ્યક્ત કરી. તેમણે ગૃહમાં કહ્યું કે મને આ મામલે કોંગ્રેસના મૌનનું દુઃખ છે. ધનખડે કોંગ્રેસના સાંસદ દિગ્વિજયસિંહને સંબોધીને જણાવ્યું કે તમે કહો છો કે તમારો પક્ષ 138 વર્ષ જૂનો છે, તમે બધું જાણો છો પણ તમારું અને મલ્લિકાર્જુન ખડગે જીનું મૌન મારા કાનમાં ગુંજી રહ્યું છે.

તમને અંદાજ હોવો જોઇએ કે આ કેટલી મોટી બાબત છે કે અપમાનનો કોઇ વ્યક્તિ વીડિયો બનાવે છે અને આનંદ લે છે. તમે એક વાત સાંભળી લો કે મારું ગમે તેટલું અપમાન કરો, મને પરવા નથી પણ ભારતના ઉપરાષ્ટ્રપતિનું, ખેડૂત સમાજનું અને મારા વર્ગનું અપમાન ના કરો. હું મારી પૂરી આહુતિ આપી દઇશ હવનમાં. કોઇ મારું અપમાન કરે તો હું સ્વીકારી લઇશ પણ આ પદની ગરિમા જાળવી રાખવી એ મારું કામ છે. તમને અંદાજ નથી કે શું થયું છે? હું એવું નહીં સાંખી લઉં કે હું મારા પદની ગરિમાની રક્ષા ના કરી શક્યો. આ ગૃહની ગરિમાની રક્ષા કરવી એ મારું કર્તવ્ય છે.

નોંધનીય છે કે મંગળવારે સંસદ ભવનના પગથિયાં પર વિપક્ષી સાંસદોના દેખાવો દરમિયાન કલ્યાણ બેનરજીએ ધનખડની મિમિક્રી કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી હસતા હદતા અને બેનરજીની હરકતનો વીડિયો બનાવી રહ્યા હતા. તેથી બેનરજીની સાથોસાથ રાહુલ પણ નિશાના પર છે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બુધવારે સવારે ઉપરાષ્ટ્રપતિ સાથે વાત કરી હતી. સમગ્ર વિવાદ વેગ પકડી રહ્યો છે. જાટ સમાજના લોકોએ બુધવારે દિલ્હીમાં બેઠક પણ કરી. બેઠક બાદ ધનખડના અપમાન બદલ રાહુલ ગાંધી અને કલ્યાણ બેનરજી માફી માગે તેવી માગ કરાઇ હતી. જો તેઓ માફી નહીં માગે તો દેશભરમાં દેખાવોની અને 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષને જોઇ લેવાની ચેતવણી પણ અપાઇ હતી.

રાહુલ ગાંધીએ વીડિયો ન બનાવ્યો હોત તો વિવાદ ઊભો ન થયો હોત

ટીએમસી સાંસદ કલ્યાણ બેનરજી મંગળવારે સસ્પેન્ડ થયા બાદ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડની મિમિક્રી કરીને કથિત રીતે મજાક ઉડાવતા હતા ત્યારે રાહુલ ગાંધી પણ ત્યાં હાજર હતા. તેમણે પોતાના મોબાઇલમાં આ ઘટનાને રેકોર્ડ પણ કરી હતી. આખા વિવાદનું મૂળ રાહુલ ગાંધીનો આ વીડિયો ગણાય છે. જો રાહુલ ગાંધીએ વીડિયો બનાવ્યો ન હોત અને વાઇરલ ન થયો હોત તો વિવાદ જ ઊભો ન થયો હતો. આ વીડિયો કોંગ્રેસના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર થયો હતો, જેને બાદમાં ડિલીટ કરી દેવાયો હતો. રાહુલ ગાંધીની એક ભૂલના કારણે રાજકીય ચરુ ઊકળવા લાગ્યો હતો.

ટીએમસી સાંસદનો માફી માગવાનો ઈનકાર

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મજાક ઉડાવનાર ટીએમસી સાંસદ કલ્યાણ બેનરજીએ માફી માગવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે, મિમિક્રી કરવી એક કલા છે. ખબર નહીં ધનખડસાહેબે તેને પોતાના પર લઈ લીધી. બેનરજીએ એવો દાવો કર્યો હતો કે, ખુદ પીએમ મોદી 2014થી 2019 વચ્ચે કાર્યવાહી દરમિયાન ઘણી વાર આ પ્રકારની મજાક કરી ચૂક્યા છે.

જાટ સમાજમાં આક્રોશનું વાતાવરણ

જગદીપ ધનખડના અપમાનને લઈને જાટ સમાજ ગુસ્સે ભરાયો છે અને કોંગ્રેસ નેતાની માફીની માગણી કરી રહ્યો છે. જાટ સમાજના નેતા સુખચૈનસિંહે કહ્યું કે તેમની સાત પેઢી આવા અપમાનને નથી ભૂલતી. અનેક સ્થળે સમુદાય દ્વારા દેખાવો પણ કરાયા હતા.


  • Follow us on: