ચિરાગ પાસવાન કે જેઓ યુવા કેન્દ્રીય મંત્રી છે. કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને પીએમ મોદીના હનુમાન કહેવાય છે. બિહારની જનતાનો અવાજ ગણાતા ચિરાગ પાસવાને એક મહત્વનું નિવેદન આપ્યું છે. પટનામાં પાર્ટીના C-ST સેલ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ચિરાગ પાસવાને હાજરી આપી હતી. તે દરમિયાન તેમણે મોટું નિવેદન આપ્યું છે.
ચિરાગ પાસવાનનું મોટું નિવેદન
પીએમ મોદીના હનુમાન કહેવાતા ચિરાગ પાસવાને કહ્યું કે જો મને ક્યાંયથી પણ મારા સમુદાયના લોકોની સમસ્યા દેખાઇ તો હું એક મિનિટમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી દઈશ. તેમણે વધુમાં જણાવ્યું કે હું ગમે તે ગઠબંધનમાં હોઉં, ભલે હું ગમે તે મંત્રી પદ પર હોઉં, જે દિવસે મને લાગશે કે બંધારણ અને અનામત સાથે રમત રમાઈ રહી છે ત્યારે હું તે જ સમય મંત્રી પદને લાત મારી દઇશ. જેવી રીતે મારા પિતાએ એક મિનિટમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું તેવી જ રીતે હું પણ એક મિનિટમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી દઇશ. ચિરાગ પાસવાને સ્ટેજ પરથી જાહેરાત કરી કે પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે 28મી નવેમ્બરે ગાંધી મેદાનમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવશે.
હંમેશા સમાજના લોકો સાથે ચાલીશઃ ચિરાગ
કાર્યક્રમને સંબોધિત કરતી વખતે ચિરાગ પાસવાને પીએમ મોદીના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે લેટરલ એન્ટ્રીમાં અનામત મામલે અમે પીએમ મોદીને કહ્યું કે આ ખોટુ છે અને તેમણે આપણી વાત સાંભળી. ક્રિમિ લેયર મામલે પણ પીએમ મોદીએ કહ્યું કે આ લાગુ નહી થાય. ચિરાગ પાસવાને કહ્યું કે આપણે આપણા સમાજના લોકોને સાથે રાખીને ચાલતા રહીશું પછી ભલે કોઇ મારો વિરોધ જ કેમ ન કરે. હું મારા પિતાના પગલે ચાલી રહ્યો છું કે જેઓ સમાજને લઇને ચાલ્યા અને સમાજ માટે લડાઇ લડી.
ઝૂકવાનો નથી, ડરતો નથી- ચિરાગ પાસવાન
ચિરાગે તેમના કાકા પશુપતિ પારસ પર પણ આડકતરો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે એવી માનસિકતા ધરાવતા લોકો છે જે ચિરાગ પાસવાનને તોડવા માંગે છે. ચિરાગ પાસવાન પોતાના સમાજને લઇને આગળ વધી રહ્યો છો તેને ખતમ કરવા માગે છે. આવુ તે લોકોને પસંદ નથી આવતુ કે હું મારા પિતાના વિચારોને આગળ વધારવા માગુ છું. પરંતુ જે લોકો મને તોડવા માગે છે તેઓ ભૂલી જાય છે કે હું સિંહનો પુત્ર છું. હું કોઇની સામે ઝૂકવાનું પસંદ કરતો નથી. ડરતો તો હું કોઇનાથી નથી.









