- રાજનાથસિંહે ચીનને બરાબરનું સંભળાવ્યું
- અરુણાચલ પ્રદેશના નામસાઇમાં રાજનાથસિંહનું સંબોધન
- ચાઇનાએ અરુણાચલ પ્રદેશના 3 સ્થળોના નામ બદલ્યા
લોકસભાની ચૂંટણીને લઇને રાજનાથસિંહ આજે અરુણાચલ પ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમણે નામસાઇમાં જાહેર સભા સંબોધી હતી. જે દરમિયાન અરુણાચલ પ્રદેશના 3 સ્થળોના નામ બદલવા પર રાજનાથ સિંહે ચીનને બરાબરનું સંભળાવ્યું હતું.
રાજનાથસિંહે ચીનને બરાબરનું સંભળાવ્યું
અરુણાચલ પ્રદેશના નામસાઇમાં રાજનાથસિંહે સંબોધન કરતા જણાવ્યું કે ચીને પોતાની વેબસાઈટ પર અરુણાચલ પ્રદેશના ત્રણ સ્થળોના નામ બદલ્યા છે. હું મારા પાડોશીને કહેવા માંગુ છું કે નામ બદલવાથી કંઈ થવાનું નથી. જો આવતીકાલે આપણે ચીનના અમુક પ્રાંતો અને અમુક રાજ્યોના નામ બદલીશું તો શું એ વિસ્તારો ભારતનો હિસ્સો બની જશે?... આપણે આપણા પાડોશીઓ સાથે સારા સંબંધો રાખવા માંગીએ છીએ પણ જો કોઈ ભારતના માન, સન્માન અને સ્વાભિમાનને ઠેસ પહોંચાડશે તો તેને જડબાતોડ જવાબ આપવાની શક્તિ ધરાવે છે.
અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ
મહત્વનું છે કે ચીન દ્વારા વર્ષ 2017માં અરુણાચલ પ્રદેશના ઘણા સ્થળોના બદલાયેલા નામોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી. બીજી યાદી વર્ષ 2021માં આવી હતી જેમાં 15 જગ્યાઓના નામ બદલવામાં આવ્યા હતા. આ પછી વર્ષ 2023માં 11 સ્થળોના નામોની બીજી યાદી બહાર પાડવામાં આવી હતી. જો કે રાજનાથ સિંહના આ નિવેદન બાદ સ્પષ્ટ છે કે ભારત ચીન સાથે કોઈપણ પ્રકારની સમજૂતી કે વાતચીત માટે તૈયાર નથી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે અરુણાચલ ભારતનું અભિન્ન અંગ છે. કોઈનું નામ બદલવાથી તેને ભારતથી અલગ ન કરી શકાય.









