- લોકસભામાં ધ્વનિમતથી ત્રણ નવા ક્રિમિનલ લૉ બિલ પસાર
- લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસને લીધું આડે હાથ
- ઇટાલિયન દિલ હશે તો કાયદાઓમાં ખબર નહીં પડે: શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે લોકસભામાં ત્રણ નવા ક્રિમિનલ લૉ બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કેટલાક લોકો કહેતા હતા કે આપણે તેમને સમજવા જોઈએ. હું તેમને કહું કે જો તમે તમારું મન ખુલ્લું રાખો અને તમારું મન ભારતીય હશે તો તમે સમજી શકશો. પરંતુ જો તમારું દિલ ઇટાલિયન હશે તો તમે ક્યારેય સમજી શકશો નહીં.
ત્રણેય બિલની વિશેષતાઓ ગણાવતા અમિત શાહે કહ્યું કે આ બિલમાં મોબ લિંચિંગમાં મૃત્યુદંડની જોગવાઈ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમ મને મોબ લિંચિંગ વિશે પૂછતા રહ્યા, તેઓ ભાજપ અને અમારી માનસિકતાને સમજતા નથી. પરંતુ કોંગ્રેસે તેના શાસન દરમિયાન મોબ લિંચિંગ પર સજા કેમ ન આપી? સાથે સાથે એમ પણ કહ્યું કે જો કોઈનું મન ભારતીય હોય તો તમે કાયદાને સમજી શકશો. પરંતુ જો તમારું મન ઇટાલિયન છે, તો તમે સમજી શકશો નહીં.
અમિત શાહે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં પહેલીવાર આપણા બંધારણની ભાવના મુજબ કાયદાઓ બનવા જઈ રહ્યા છે. મને ગર્વ છે કે 150 વર્ષ પછી આ ત્રણ કાયદા બદલાયા છે. તેમણે કહ્યું કે ત્રણ પ્રસ્તાવિત ફોજદારી કાયદા બિલ દેશની ફોજદારી ન્યાય પ્રણાલીમાં વ્યાપક ફેરફારો લાવશે.
ભારતીય ન્યાય સંહિતા બિલ 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બિલ 2023 અને ભારતીય પુરાવા બિલ 2023ને ચોમાસા સત્ર દરમિયાન પ્રથમ વખત સંસદમાં રજૂ કરવામાં આવ્યા હતા. આજે આ ત્રણ બિલ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા હતા. અમિત શાહે શિયાળુ સત્ર દરમિયાન બિલના સુધારેલા સંસ્કરણો રજૂ કર્યા હતા.









