[[$googlead]]
દેશના વિવિધ ભાગોમાં ચોમાસુ વિદાય લેવાની વેળાએ છે. પરંતુ વરસાદ પણ જતા જતા ધબધબાટી બોલાવીને જાય તો નવાઇ નહી. ગઇકાલે દેશના વિવિધ રાજ્યોમાં વરસાદને લઇને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. જે મુજબ મુંબઇ તથા ગુજરાત સહિત અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવે તો નવરાત્રિ નજીકમાં છે. ચોમાસુ પૂર્ણ થવાની સ્થિતિ હોય પરંતુ આ વખતે ચોમાસુ યુટર્ન મારી રહ્યુ છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદને લઇને શું કરવામાં આવી આગાહી, આવો જાણીએ.

હવામાન વિભાગે ક્યાં કરી વરસાદની આગાહી ?
હવામાનની સ્થિતિ પર IMD વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારે કહ્યું કે અમે ગઈકાલે મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું હતું... આજે પણ કોંકણ પ્રદેશ અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ તેઓએ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. વધુમાં જણાવ્યું કે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના સાથે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને લઇને એલર્ટ આપવામાં આવ્યું છે.

મુંબઇમાં આ વિસ્તારોમાં એલર્ટ જાહેર
હવામાન વિભાગે એલર્ટ જાહેર કરતા જણાવ્યું કે મુંબઈ, થાણે, રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન અને ગાજવીજ સાથે વીજળી અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે પાલઘર અને સિંધુદુર્ગના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' આપ્યું છે. જેમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. વિવિધ સ્થળોએ વીજળી અને ભારે પવનની પણ શક્યતા છે.

ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ
ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ જશે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જેમાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે મજબૂત બનીને હવે લો-પ્રેશર એરિયા બની ગયું છે અને તેની અસર ઘણાં રાજ્યોમાં વર્તાઈ રહી છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

રાજ્યમાં 24 કલાકમાં 182 તાલુકાઓમાં વરસાદ
સૌથી વધુ ઉમરપાડામાં 7 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ અમરેલીના લિલિયામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સુરત શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વડોદરા, નવસારીમાં 3-3 ઈંચ વરસાદ સાથે પાવી જેતપુરમાં પોણા 3 ઈંચ વરસાદ પડ્યો છે. છોટાઉદેપુર, કવાંટ, કડીમાં 2-2 ઈંચ વરસાદ તથા પ્રાંતિજ, બોડેલી, વાલિયામાં 2-2 ઈંચ વરસાદ સાથે ગણદેવી, માંડવી, વાગરા, શિનોરમાં 2-2 ઈંચ આવ્યો છે.

  • Follow us on: