- ઉત્તર ભારતમાં ગરમીથી લોકો ત્રાહિમામ
- દિલ્હી વાસીઓ માટે રાહતના સમાચાર
- હવામાન વિભાગે વરસાદની સંભાવના કરી વ્યક્ત
ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજધાની દિલ્હી સહિત વિવિધ રાજ્યોમાં ગરમીના કારણે લોકોની હાલત કફોડી બની રહી છે. જો કે હવે હવામાન વિભાગે દિલ્હીના લોકો માટે સારા સમાચાર આપ્યા છે.
પંજાબ હરિયાણામાં લોકોને રાહત
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ અને હરિયાણાના લોકોને મોટી રાહત મળવાની આશા છે. IMDના વૈજ્ઞાનિક સોમા સેને કહ્યું છે કે ઉત્તર ભારતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પરંતુ પંજાબ અને હરિયાણા સહિત ભારતના ઉત્તર પશ્ચિમ હિમાલય વિસ્તારમાં સાંજથી વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની પણ અપેક્ષા છે. પંજાબ અને હરિયાણામાં પણ હીટ વેવની સ્થિતિ ઘટવાની સંભાવના છે.
દિલ્હીમાં ક્યારે પડશે વરસાદ?
દેશની રાજધાની દિલ્હીને પણ જલ્દીથી ગરમીથી રાહત મળશે. IMDના વૈજ્ઞાનિક સોમા સેને કહ્યું છે કે આવતીકાલથી દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સોમા સેનના જણાવ્યા અનુસાર આગામી 3થી 4 દિવસમાં દિલ્હીમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. મતલબ કે દિલ્હીના લોકો શુક્રવાર અથવા શનિવાર સુધી વરસાદ મળી શકે છે.
ઉત્તર પ્રદેશ-બિહારમાં ક્યારે પડશે વરસાદ?
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ મુજબ પશ્ચિમ યુપીમાં હાલ હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. જોકે યુપીના પૂર્વી જિલ્લાઓમાં વરસાદ નોંધાઇ શકે છે. પૂર્વ યુપીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે બિહારના સીમાંચલ જિલ્લાઓમાં 20 જૂનથી વરસાદની સંભાવના છે.