પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યા બાદ હવે યુદ્ધવિરામ (Indo-PAK Ceasefire) છે. જ્યારે ભારત અને પાકિસ્તાન બંને તરફથી સરહદ પર હુમલા થઈ રહ્યા હતા, ત્યારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ આતંકવાદને આશ્રય આપતા દેશને નાણાકીય મદદ પૂરી પાડવા માટે 1 અબજ ડોલરની લોન મંજૂર કરીને દુનિયામાં બદનામી ફેલાવી હતી. પરંતુ હવે તે કદાચ પાકિસ્તાનની વાસ્તવિક રમત સમજી ગયું છે અને વૈશ્વિક સંસ્થાએ બેલઆઉટનો આગામી હપ્તો જાહેર કરતા પહેલા 11 નવી શરતો (IMF New Conditions on Pakistan) મૂકી છે. સાથે જ પાકિસ્તાનને એક મોટી ચેતવણી પણ આપી છે.

IMFની 11 નવી શરતો

પીટીઆઈના અહેવાલ મુજબ, IMF એ તેના બેલઆઉટ પેકેજનો આગામી હપ્તો આપવા માટે પાકિસ્તાન પર 11 નવી શરતો લાદી છે અને આ પછી પાકિસ્તાન પર કુલ શરતો વધીને 50 થઈ ગઈ છે. IMF દ્વારા પાકિસ્તાનને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો આ શરતો પૂરી નહીં થાય, તો તેને આગામી હપ્તો આપવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે IMFએ આતંકને પોષનાર પાકિસ્તાનને 1 અરબ ડોલરની લોન આપવાની મંજૂરી આપીને દુનિયાભરમાંથી ટીકાઓ સહન કરી રહ્યુ હતું. પરંતુ હવે તેને પાકિસ્તાનનો સાચો ખેલ સમજ આવતા કડક શરતો લાદી દીધી છે. IMF સામે વૈશ્વિક ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.

જો આપણે પાકિસ્તાન માટે IMF દ્વારા લાવવામાં આવેલી નવી શરતો પર નજર કરીએ, તો તેમાં સંસદ દ્વારા 17.6 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાના રેકોર્ડ ફેડરલ બજેટને મંજૂરી આપવાનો સમાવેશ થાય છે, જ્યારે વીજળીના બિલ પર ઉચ્ચ સરચાર્જ લાદવાની શરત પણ મૂકવામાં આવી છે. હાલમાં, પાકિસ્તાનના આયાત નિયમો ફક્ત 3 વર્ષ સુધી જૂની કારની આયાતને મંજૂરી આપે છે, તેને 5 વર્ષ સુધી લંબાવવાનો પ્રસ્તાવ છે. વધુમાં, સરકારે 2035 સુધીમાં સ્પેશિયલ ટેક ઝોન અને ઔદ્યોગિક ઉદ્યાનો માટે પ્રોત્સાહનો તબક્કાવાર બંધ કરવા માટે એક રોડમેપ તૈયાર કરવો પડશે. તેનો અહેવાલ વર્ષના અંત સુધીમાં રજૂ કરવાનો છે.

એનર્જી સેક્ટરમાં આ પ્રમુખ શરતો
  • 1 જુલાઈ 2025 સુધીમાં વાર્ષિક વીજળીના દરમાં સુધારો કરવાની સૂચના જારી કરવી.
  • 15 ફેબ્રુઆરી 2026 સુધીમાં અર્ધવાર્ષિક ગેસ ટેરિફ ગોઠવણ.
  • મે મહિનાના અંત સુધીમાં કેપ્ટિવ પાવર લેવી વટહુકમ લાગુ કરવા માટે કાયમી કાયદો લાવવો.
  • જૂનના અંત સુધીમાં Debt સર્વિસ સરચાર્જ પર પ્રતિ યુનિટ રૂ. 3.21 ની મર્યાદા દૂર કરવામાં આવશે.
બજેટ IMFના લક્ષ્યો સાથે સુસંગત હોવું જોઈએ
IMFના રિપોર્ટ મુજબ પાકિસ્તાનનું આગામી સંરક્ષણ બજેટ 2,414 અબજ રૂપિયા હોવાનો અંદાજ છે, જે ગયા વર્ષ કરતા 12% વધુ છે, પરંતુ તાજેતરમાં શાહબાઝ શરીફ સરકારે આ મહિનાની શરૂઆતમાં તેમાં 2,500 અબજ રૂપિયા એટલે કે 18% વધારો કરવાનો નિર્ણય લીધો છે, જે IMFના રાજકોષીય સંતુલન લક્ષ્યની વિરુદ્ધ છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે સંસદને IMF લક્ષ્યોને અનુરૂપ જૂન 2025 સુધીમાં 2026નું બજેટ પસાર કરવા જણાવ્યું છે.

પાકિસ્તાનને આપી આ ચેતવણી

રિપોર્ટમાં એક્સપ્રેસ ટ્રિબ્યુનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે 11 નવી શરતો લાદવાની સાથે IMF રિપોર્ટમાં પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ રહેશે અથવા વધશે તો તેની અસર કાર્યક્રમના નાણાકીય, બાહ્ય અને સુધારા લક્ષ્યો માટે સીધા જોખમો પેદા કરી શકે છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતના ઓપરેશન સિંદૂરના પગલે IMFની ચેતવણી આવી છે.

તમને જણાવી દઈએ કે પહેલગામ હુમલામાં 26 પ્રવાસીઓના મોત બાદ, ભારતે આ ઓપરેશન હેઠળ હવાઈ હુમલો કરીને બદલો લીધો હતો અને તેમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ પછી, 10 મેના રોજ, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર સહમતિ બની હતી.

  • Follow us on: