- મૂળ બાંગ્લાદેશી લઘુમતીઓના વિસ્તારોમાંથી 99 ટકા વોટ કોંગ્રેસને મળ્યા
- લઘુમતીઓનું પ્રભુત્વ ધરાવતા મતક્ષેત્રોમાંથી ભાજપની તરફેણમાં માત્ર ત્રણ ટકા વોટિંગ
- તેઓ વડાપ્રધાન આપેલા ઘરોમાં રહે છે,વીજળી અને સેનિટેશન સુવિધા મેળવે છે પણ વોટ કોંગ્રેસને આપે છે: બિસ્વા
કેન્દ્ર સરકાર અને ભાજપશાસિત રાજ્ય સરકારોએ બાંગ્લાદેશી મૂળના લઘુમતી સમુદાય માટે વિકાસના ઘણા કામો કર્યા હોવા છતાં આ સમુદાયે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની તરફેણમાં વોટિંગ કર્યું હોવાનો આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો છે.
તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે મૂળ બાંગ્લાદેશી લઘુમતીઓ આસામમાં કોમવાદી પ્રવૃત્તિઓ કરતો એકમાત્ર સમુદાય છે. અત્રે પ્રદેશ ભાજપ મુખ્યાલય ખાતે પક્ષના તથા સાથી પક્ષોના નવા ચૂંટાયેલા સાંસદોના સન્માન સમારોહને સંબોધતા હિમંતાએ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં ભાજપ અને સાથી પક્ષોને 47 ટકા જ્યારે કોંગ્રેસને અને તેના સાથી પક્ષોને 39 ટકા વોટ મળ્યા. ભાજપ-એજીપી-UPPL ગઠબંધને આસામની કુલ 14 પૈકી 11 લોકસભા બેઠક જીતી જ્યારે બાકીની ત્રણ બેઠક કોંગ્રેસે જીતી. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને મળેલા 39 ટકા વોટનું વિશ્લેષણ કરીએ તો જાણવા મળે છે કે તેમને આખા રાજ્યમાં વોટ નથી મળ્યા. તેમને 50 ટકા વોટ લઘુમતીઓનું પ્રભુત્વ ધરાવતા 21 વિધાનસભા મતક્ષેત્રોમાંથી મળ્યા છે. બીજી તરફ ભાજપને આ મતક્ષેત્રોમાંથી ફક્ત ત્રણ ટકા વોટ મળ્યા, જે સાબિત કરે છે કે હિન્દુઓ કોમવાદ નથી કરતા. આસામમાં માત્ર એક સમુદાય, એક ધર્મના લોકો કોમવાદ કરે છે.










