- ત્રણ મૂર્તિઓનું નિર્માણ કરાવાઇ રહ્યું છે, શ્રેષ્ઠ મૂર્તિની પ્રતિષ્ઠા કરાશે
- મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર લગભગ બનીને તૈયાર, પહેલા માળનું કામ ધમધોકાર ચાલી રહ્યું
- અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટનની તડામાર તૈયારી ચાલી રહી છે
અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટનની તડામાર તૈયારી ચાલી રહી છે. શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે બુધવારે જણાવ્યું હતું કે મંદિરમાં ભગવાન શ્રીરામના બાળસ્વરૂપની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે અને શ્રીરામના બાળસ્વરૂપને દર્શાવતી મૂર્તિ 90 ટકા જેટલી તૈયાર થઇ ગઇ છે. રાયે કહ્યું હતું કે રામજન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રીરામને 5 વર્ષીય બાળકના સ્વરૂપમાં દર્શાવનારી ચાર ફૂટ 3 ઇંચની મૂર્તિનું અયોધ્યામાં ત્રણ સ્થળોએ નિર્માણ કરાવવામાં આવી રહ્યું છે. ત્રણ કારીગર પથ્થરના ત્રણ અલગ-અલગ ટુકડાઓ પર મૂર્તિનું નિર્માણ કરી રહ્યા છે અને આ ત્રણ મૂર્તિમાંથી શ્રેષ્ઠ કૃતિની પસંદગી કરવામાં આવશે. ચંપત રાયે કહ્યું હતું કે આ મૂર્તિઓ 90 ટકા જેટલી તૈયાર થઇ ગઇ છે અને મૂર્તિને એક સપ્તાહમાં ફિનિશિંગ ટચ આપવાનું કામ સંપન્ન થઇ જશે. મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર લગભગ તૈયાર થઇ ગયો છે.
22 જાન્યુ.એ 12થી 12.45 વચ્ચે વિરાજમાન થશે










