રાજસ્થાનના જયપુરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જયપુરમાં નબીરાઓ બેફામ બન્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. નબીરાઓ તેજ ગતિએ કાર ચલાવવાના સ્ટંટનો વીડિયો બનાવતા હતા. દરમિયાન વાહન બેકાબૂ થતા કાર ચાલકે રસ્તા પર ઉભેલા યુવાનોને ટક્કર મારી.આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કાર ચલાવનાર યુવાન બેફામપણે મોડીરાત્રે કાર હંકારી રહ્યો હતો. અકસ્માત સર્જયા બાદ પણ કાર ચાલક વાહન રોકવાના બદલે ત્યાંથી ફરાર થઈ જાય છે.


નબીરા બન્યા બેફામ

દેશભરમાં ગંભીર બીમારી બાદ અકસ્માતથી થતા મોતની સંખ્યા વધી છે. જયપુરમાં નબીરાનો સ્ટંટ કરતો વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે એક કારમાં સંભવત ત્રણથી ચાર યુવાનો મુસાફરી કરી રહ્યા છે. જેમાંથી એક યુવાન કાર ચલાવનાર યુવાનનો વીડિયો બનાવે છે. કાર ચાલક યુવાનના બેફામપણે કાર હંકારવાના કારણે રસ્તા પર ઉભેલા યુવાનો સાથે ભયંકર રીતે અથડાય છે. અકસ્માત સર્જયા બાદ કાર ચાલક ઇજાગ્રસ્તોની મદદ કરવાના બદલે ઘટનાસ્થળથી ભાગી જાય છે. અકસ્માત જોનાર પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે અકસ્માત થયો ત્યારે કેટલાક યુવાનો રસ્તાની બાજુમાં ઉભા હતા. અચાનક એક સફેદ કાર ઝડપથી આવી અને તેમને ટક્કર મારે છે. સદનસીબે કાર સાથે અથડાયેલ યુવાનોને ગંભીર ઈજાઓ થઈ નથી. પરંતુ નબીરાઓ દ્વારા બેફામપણે કાર હંકારવાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

વાયરલ વીડિયા બાદ પોલીસની કાર્યવાહી

જયપુરમાં નબીરાનો સ્ટંટ કરતો વીડિયો સામે આવ્યા બાદ આખરે સવાલ થાય છે કે કયારે સુધરશે. સ્ટંટ બનાવવામાં જીવલેણ દુર્ઘટનાઓ બનવા છતાં પણ આ નબીરાઓમાં વીડિયો બનાવવાનો અને સ્ટંટ કરવાનો ક્રેઝ કેમ ઓછો થતો નથી. મળતી માહિતી મુજબ જયપુરમાં નબીરાના સ્ટંટ દ્વારા સર્જાયેલ અકસ્માતની ઘટના જગતપુરા વિસ્તારની હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોના નિવેદન લઈ તેમને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા. સાંગાનેરના એસીપી વિનોદ કુમાર શર્માએ જણાવ્યું હતું કે વાયરલ વીડિયોના આધારે કારમાં મુસાફરી કરી રહેલા યુવાનોની ઓળખ કરવામાં આવી રહી છે. રામનગરિયા પોલીસ સ્ટેશનની એક ટીમ આ મામલામાં રોકાયેલી છે. આ ઘટના અંગે કોઈ ફરિયાદ મળી નથી, પરંતુ પોલીસ હજુ પણ પોતાના સ્તરે આ મામલાની તપાસ કરી રહી છે.

  • Follow us on: