દેશવાસીઓ દર વર્ષે 15 ઓગષ્ટે ધામધૂમ અને ઉત્સાહપૂર્વક સ્વતંત્રતા દિવસ મનાવે છે. આ વર્ષે દેશ તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. દરેક શાળાઓ, સરકારી અને ખાનગી ઓફિસોમાં, સોસાયટીઓમાં તથા કોલોનીઓ અને રસ્તાઓ પર દેશભક્તિનો માહોલ જોવા મળે છે. ઠેર ઠેર તિરંગા લહેરાવાય છે, દેશભક્તિના ગીતો વાગે છે અને લોકો જુદી-જુદી રીતે પોતાનો દેશપ્રેમ દર્શાવે છે.
શું તિરંગા રંગની મીઠાઈ ખાવી કે કેક કાપવી તે રાષ્ટ્રધ્વજનું અપમાન છે?
હવે તો આજકાલ બજારમાં તિરંગા રંગની મીઠાઈઓ, કેક, કપડા, ગુબ્બારા અને ડેકોરેશન સામાન વેચાતો હોય છે. આ બધું જોવામાં સુંદર લાગે છે, પણ એક પ્રશ્ન ઘણા લોકોના મનમાં હોય છે કે શું તિરંગી રંગની મીઠાઈ ખાવી કે કેક કાપવી તે રાષ્ટ્રધ્વજનું અપમાન છે?
શું કહે છે ધ્વજ સંહિતા?
તિરંગાના રંગ આપણા રાષ્ટ્રીય ધ્વજના પ્રતિક છે, પરંતુ ફક્ત એ ત્રણ રંગોનો ઉપયોગ કરવાથી કોઈ વસ્તુ “ધ્વજ” બની જતી નથી. એટલે કે, જો કોઈ મીઠાઈ કે કેક તિરંગી રંગમાં બનાવવામાં આવે છે પણ તેમાં અશોક ચક્ર નથી કે ધ્વજની સંપૂર્ણ ડિઝાઇન નથી, તો તેને તિરંગાનું અપમાન ગણાતું નથી.
મદ્રાસ હાઇકોર્ટે શું કહ્યું હતું
માર્ચ 2021 માં મદ્રાસ હાઈકોર્ટ એ પણ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે તિરંગી રંગની કેક કાપવી કે ખાવી એ દેશદ્રોહ નથી અને તેને ધ્વજનું અપમાન પણ ગણાતું નથી. ન્યાયાલયે આ નિર્ણય 2013માં થયેલા વિવાદના સંદર્ભમાં આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે માત્ર રંગોના ઉપયોગથી કોઈ વસ્તુ રાષ્ટ્રીય ધ્વજ નહીં બની જાય અને તેનાથી રાષ્ટ્રીય ભાવનાઓને નુકસાન પહોંચે એવું પણ નથી માનવામાં આવતું.
ધ્વજનું સાચું સન્માન કેવી રીતે કરવું ?
ભારતમાં દરેક નાગરિકની ફરજ છે કે તે રાષ્ટ્રીય ધ્વજનું માન રાખે. આ માટે ભારતીય ધ્વજ સંહિતા તૈયાર કરવામાં આવી છે. તે મુજબ તિરંગાને માનભેર લહેરાવવો અને સાચવવો જોઈએ. તેને શાળાઓ, ઘરો, ઓફિસો વગેરેમાં લહેરાવવો મંજૂર છે. જો ધ્વજ ફાટેલો કે ગંદો થઈ જાય, તો તેને સાચી રીતે દફનાવો કે દહન કરો. તિરંગાને ફાડવો, કચરામાં નાખવો, સળગાવવો તે ગુનાહિત અપરાધ છે. તિરંગા પર કશું લખવું કે છાપવું માન્ય નથી અને તિરંગાને કોઈ અન્ય ધ્વજથી નીચે કે જોડીને લહેરાવવાની મનાઈ છે. ગંદો તિરંગો પાછો ઉપયોગ ન કરી શકાય
ધ્વજના અપમાન પર કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ
જો કોઈ વ્યક્તિ જાણીને તિરંગાનું અપમાન કરે છે, તો તેની સામે “ભારતીય ધ્વજ સંહિતા, 2002” અને “રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ, 1971” હેઠળ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. તે હેઠળ મહત્તમ 3 વર્ષની જેલ, દંડ, અથવા બંને થઇ શકે છે.
દરેક નાગરિકની નૈતિક અને કાનૂની ફરજ
એટલે તિરંગી રંગોની મીઠાઈ ખાવી કે કેક બનાવવી તે તિરંગાનું અપમાન ગણાતું નથી, જો તેમાં અશોક ચક્ર કે પૂર્ણ ધ્વજ રચના ન હોય. પરંતુ આપણા રાષ્ટ્રીય ધ્વજનું સાચુ સન્માન કરવું દરેક નાગરિકની નૈતિક અને કાનૂની ફરજ છે.