- સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઇને તૈયારીઓ તેજ
- લાલ કિલ્લા ખાતે કરવામાં આવી રહી છે તૈયારીઓ
- 21 તોપોની સલામી આપવા સેના દ્વારા કરવામાં આવી તૈયારીઓ
15મી ઑગષ્ટને લઇને તૈયારીઓ તડામાર કરવામાં આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે..જે અંતર્ગત લોકો પોતાના ઘર તથા ઑફિસોમાં બધે તિરંગો લહેરાવી રહ્યા છે. તો બીજી તરફ દિલ્હીમાં થનાર ઉજવણીને લઇને લાલ કિલ્લા ખાતે તૈયારીઓ તેજ છે. આ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
21 તોપોની સલામી આપવા તૈયારી
ભારતીય સેનાએ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા રાષ્ટ્રીય રાજધાનીમાં 21 તોપોની સલામી માટે કવાયત હાથ ધરી હતી. આ પ્રસંગે ભારતીય સેનાના મેજર કૌશિક સબનીસે જણાવ્યું હતું કે સ્વતંત્રતા દિવસના અવસરે 21 તોપોની સલામી આપવામાં આવે છે.. સેનાની ચોકસાઇની જ નહી પરંતુ ગર્વની નિશાની છે. આપણા પૂર્વજોના બલિદાનની યાદ અપાવે છે. અમે આ માટે સાત લાઇટ ફિલ્ડ ગનનો ઉપયોગ કર્યો છે જેને ભારતીય આયુધ નિર્માણી સેના દ્વારા 1982માં બનાવવામાં આવી હતી. જે સામાન્ય ભારતીય ફિલ્ડ ગનથી 1 હજાર કિલોગ્રામ હલકી છે. તેમણે કહ્યું કે આ દિવસે પીએમ ધ્વજ ફરકાવશે. દેશને સંબોધન કરશે. ભારતીય બેંડ દ્વારા રાષ્ટ્રગાન વગાડવામાં આવે છે. 52 સેકન્ડમાં જ 21 તોપોની સલામી આપવામાં આવે છે.
સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારી
સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે, લાલ કિલ્લાની આસપાસ સુરક્ષા મજબૂત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત લાલ કિલ્લાને રોશનીથી શણગારવામાં આવી રહ્યો છે અને સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સ્વતંત્રતા દિવસના અવસર પર દેશભરમાંથી લોકો લાલ કિલ્લા પર પહોંચશે.
કમિશનરે આપ્યો આ આદેશ
15મી ઓગસ્ટે દિલ્હીમાં આતંકવાદી હુમલો થવાની સંભાવનાને ધ્યાને રાખીને પણ ચાંપતી સુરક્ષા રાખવામાં આવી રહી છે. દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ આદેશ આપ્યો છે કે દિલ્હીમાં પેરાગ્લાઈડર્સ, પેરા મોટર્સ, હેંગ ગ્લાઈડર્સ, UAV, UAS, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, હોટ એર બલૂન, પેરા જમ્પિંગ અને ડ્રોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 2 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી લાદવામાં આવ્યો છે. આ આદેશ જાહેર કરતા પહેલા દિલ્હી પોલીસ કમિશનરે પોલીસ અધિકારીઓની બેઠક પણ યોજી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી.









