• 78મા સ્વતંત્રતા પર્વની કરવામાં આવી ઉજવણી
  • વિપક્ષ નેતા પણ જોવા મળ્યા કાર્યક્રમમાં
  • છેલ્લી હરોળમાં બેઠેલા દેખાતા ચર્ચા તેજ  
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે લાલ કિલ્લા પર આયોજિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ રાહુલ ગાંધીની બાજુમાં બેઠા હતા. ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય હોકી ટીમના સભ્ય લલિત ઉપાધ્યાય રાહુલની બરાબર બાજુમાં બેઠા હતા. આ સિવાય અહીં આગળની હરોળમાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, એસ. જયશંકર, નિર્મલા સીતારમણ અને શિવરાજસિંહ ચૌહાણ બેઠા હતા. ત્યારે રાહુલગાંધી પાછળની હરોળમાં બેસવા પર ચર્ચાઓ તેજ બની છે.

સફેદ કુર્તો પહેરેલા દેખાયા રાહુલ ગાંધી
રાહુલગાંધી સ્વતંત્ર પર્વ સમારોહના કાર્યક્રમમાં પ્રેક્ષક ગેલેરીમાં સફેદ કુર્તા પાયજામા પહેરીને બેઠેલા જોવા મળ્યા. તેમને વિપક્ષના નેતા તરીકે પાછળની હરોળમાં બેસાડવાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ હવે આ સમગ્ર મામલે રક્ષા મંત્રાલયે સ્પષ્ટતા આપી છે. સ્પષ્ટતા આપતા સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીઓ માટે આગળની હરોળમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, મંત્રાલયના જણાવ્યા અનુસાર, આગળની સીટ રાહુલ માટે આરક્ષિત હતી, પરંતુ તેણે પોતાની મરજીથી લાઇનની પાછળ બેસવાનું નક્કી કર્યું.બાકી તો પ્રોટોકોલ મુજબ વિપક્ષના નેતાને આગળની હરોળમાં બેસાડવામાં આવે છે.


સંરક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સ્વતંત્રતા દિવસના અવસર પર વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી માટે આગળની સીટ હતી  પરંતુ તેમણે પોતાની મરજીથી હરોળની પાછળ બેસવાનું નક્કી કર્યું. રાહુલ ગાંધીએ ત્યાં વ્યવસ્થા કરી રહેલા સ્ટાફને કહ્યું કે તેઓ સામાન્ય લોકોની વચ્ચે બેસવા માંગે છે. તેમણે કહ્યું કે હું આ નેતાઓ સાથે તો સદનમાં પણ બેસુ જ છું. 

રક્ષામંત્રાલય કરે છે આયોજન
ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન વિપક્ષના નેતા તરીકે સોનિયા ગાંધીને આવા કાર્યક્રમોમાં હંમેશા આગળની હરોળમાં બેસાડવામાં આવતા હતા. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન અને આવા કાર્યક્રમોમાં બેઠક વ્યવસ્થા કરવાનું કામ સંરક્ષણ મંત્રાલય કરે છે.

10 વર્ષ બાદ વિપક્ષના નેતા જોડાયા
મહત્વનું છે કે લોકસભામાં વિપક્ષના નેતાનું પદ 2014 થી 2024 સુધી ખાલી રહ્યું હતું. આ એટલા માટે હતું કારણ કે તે સમયગાળા દરમિયાન કોઈપણ વિરોધ પક્ષ પાસે આ પદ સંભાળવા માટે પૂરતા સાંસદો નહોતા. હાલમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની બેઠકોની સંખ્યા 99 પર પહોંચી ગઇ હતી.જે બાદ 25 જૂન, 2024ના રોજ રાહુલ ગાંધીને લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  • Follow us on: