• નોબેલ કમિટીના ડેપ્યુટી લીડર તોજેએ ભારત અને પીએમ મોદીની પ્રશંસા કરી
  • PM મોદીએ ધમકી આપ્યા વિના જ પરમાણુ યુદ્ધનાં પરિણામો વિશે વિશ્વને સમજાવ્યું
  • PM નરેન્દ્ર મોદીને પણ નોબેલ શાંતિ પારિતોષિક માટે સૌથી મજબૂત દાવેદાર ગણાવ્યા

નોબેલ કમિટીના ડેપ્યુટી લીડર અસલ તોજેએ ભારતની ભરપૂર પ્રશંસા કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ નોબેલ શાંતિ પારિતોષિક માટે સૌથી મજબૂત દાવેદાર ગણાવ્યા છે. અસલ તોજેએ કહ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુદ્ધ વિશે સમજાવ્યું હતું, તે એકદમ પ્રશંસનીય છે. તેમણે કોઇપણ પ્રકારની ધાક-ધમકી આપ્યા વિના જ પરમાણુ યુદ્ધના પરિણામો વિશે સમગ્ર દુનિયાને સમજાવ્યું હતું. આપણને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આવા પ્રકારના જ નેતાની જરૂર છે. અસલ તોજેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના પ્રયાસોની પ્રશંસા કરતા ગુરુવારે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આ પ્રકારના વધારે હસ્તક્ષેપની જરૂરિયાત છે. તોજેએ વધુમાં ઉમેર્યુ હતું કે, ભારતે કોઇની પણ સાથે ઊંચા અવાજમાં વાત નથી કરી, કે ન તો કોઇને ધમકી આપી છે, માત્ર મૈત્રીપૂર્ણ રીતે પોતાની સ્થિતિથી તેમને માહિતગાર કર્યા છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આપણને તેની વધારે જરૂર છે. તોજેએ એક દિવસ પહેલાં જ કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી નોબેલ શાંતિ પારિતોષિક માટે સૌથી મોટા દાવેદાર છે.

ભારતનું મહાશક્તિ બનવું નિશ્ચિત છે

નોબેલ કમિટીના ડેપ્યુટી લીડર તેમજ વિદેશનીતિના પ્રખર વિદ્વાન અસલ તોજે હાલ ભારતના પ્રવાસે આવેલા છે. તેમણે મીડિયાને સંબોધન કરતા કહ્યું હતું કે, ભારતનું વિશ્વની એક મહાશક્તિ બનવું એકદમ નિશ્ચિત છે. તોજેએ યૂક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ મુદ્દે વાત કરી હતી અને તેમાં પણ પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું હતું કે પીએમ મોદી રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધને રોકવા માટે સૌથી વિશ્વાસવાત્ર નેતા છે અને માત્ર તેઓ જ શાંતિની સ્થાપના કરી શકે છે.