અબુ ધાબી (UAE)ના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન બે દિવસીય ભારતની મુલાકાતે છે. તેમની પ્રથમ મુલાકાતમાં તેઓ PM મોદીને મળ્યા છે. જ્યાં બન્ને નેતાઓએ સોમવારે પરમાણુ ઊર્જા, તેલ અને ફૂડ પાર્ક વિકાસના ક્ષેત્રોમાં ઘણા કરારો પર હસ્તાક્ષર કર્યા છે.
પરમાણુ ઊર્જા સહિતના MOU પર કર્યા હસ્તાક્ષર
બન્ને નેતાઓએ અમીરાત ન્યુક્લિયર એનર્જી કંપની (ENEC) અને ન્યુક્લિયર એનર્જી કોઓપરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) વચ્ચે બરકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના સંચાલન અને જાળવણીના ક્ષેત્રમાં કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC) અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ વચ્ચે લાંબા ગાળાના LNG સપ્લાય માટે અન્ય એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ક્રાઉન પ્રિન્સે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ભારતમાં ફૂડ પાર્કના વિકાસ અંગે ગુજરાત સરકાર અને અબુ ધાબી ડેવલપમેન્ટલ હોલ્ડિંગ કંપની PJSC (ADQ) વચ્ચે એક MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બેઠક બાદ ક્રાઉન પ્રિન્સે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ હૈદરાબાદ હાઉસમાં ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું સ્વાગત કર્યું હતું. આ પ્રથમ વખત છે જ્યારે ભારતે UAEની આગામી પેઢીના રાજવીઓ અને સરકાર સાથે સત્તાવાર રીતે વાતચીત કરી છે. જે દર્શાવે છે કે ભારત UAE સાથેના તેના સંબંધોને કેટલું મહત્વ આપે છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે
ક્રાઉન પ્રિન્સ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળવાના છે. એક બિઝનેસ ફોરમમાં ભાગ લેવા માટે તેઓ મંગળવારે મુંબઈ પણ જશે. તાજેતરના વર્ષોમાં, ભારત અને UAE વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી રાજકારણ, વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા, ટેકનોલોજી, શિક્ષણ અને સંસ્કૃતિ સહિતના ક્ષેત્રોની વિશાળ શ્રેણીમાં ઊંડી બની છે. ક્રાઉન પ્રિન્સની મુલાકાત ભારત-UAE દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે અને નવા અને ઉભરતા ક્ષેત્રોમાં ભાગીદારી માટેના માર્ગો ખોલશે.