આસામના ટ્રાન્ઝિટ કેમ્પોમાં અટકાયત હેઠળ રખાયેલા 270 વિદેશી નાગરિકોના ડિપોર્ટેશન મામલે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી થઈ.
આ દરમિયાન કોર્ટે અગાઉના નિર્દેશોના પાલન અંગે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો. કોર્ટે 21 માર્ચ સુધીની મહેતલ આપી છે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા જણાવાયું કે આ મામલે વિચારવિમર્શ જારી છે અને વધુ સમયની જરૂર છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાની અપીલ પર જસ્ટિસ અભય ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભૂયાનની બેન્ચે આજે સુનાવણી સ્થગિત કરી દીધી. આ પૂર્વે બેન્ચે કહ્યું કે સોલિસિટર જનરલનું કહેવું છે કે વિદેશીઓના ડિપોર્ટેશનનો પ્રશ્ન સર્વોચ્ચ સ્તરે ઉકેલવામાં આવી રહ્યો છે. મહેતાએ સમગ્ર મામલે કેન્દ્રની પ્રતિક્રિયા જણાવવા વધુ સમયની માગ કરી હતી. સુપ્રીમ કોર્ટ વિદેશીઓને ડિપોર્ટ કરવાને બદલે અચોક્કસ મુદત માટે કેદ રાખવા બાબતે આસામ સરકારનો ઉધડો પણ લઈ ચૂકી છે. કોર્ટે સવાલ કર્યો હતો કે શું સરકાર તેમને પાછા મોકલવા કોઈ મુહૂર્તની રાહ જોઈ રહી છે? આસામ સરકાર તથ્યો છુપાવી રહી છે. અટકાયત હેઠળના લોકો વિદેશી હોવાની પુષ્ટિ થતાં જ તેમને તત્કાળ ડિપોર્ટ કરી દેવા જોઈએ.










