- બેંગ્લોરમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ
- દેશે ત્રિરંગામાંથી પ્રેરણા લઈને આગળ વધવું જોઈએ: ભાગવત
- 'ભારતમાં ક્ષમતા છે, પરંતુ અમુક લોકો ભારતને રોકવા માંગે છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે સ્વતંત્રતા દિવસના અવસર પર કહ્યું હતું કે ભારતે પોતાની ક્ષમતાઓ વધારવાની જરૂર છે. સંઘ પ્રમુખે કહ્યું કે દેશ તેની સાંસ્કૃતિક શક્તિ અને ક્ષમતાઓના આધારે વિશ્વ માટે આશાનું કિરણ બની શકે છે. તમને જણાવી દઈએ કે 77માં સ્વતંત્રતા દિવસના અવસરે કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં સંઘ પ્રમુખે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
દેશ, વિશ્વને જાગૃત કરવામાં સક્ષમ
મોહન ભાગવતે કહ્યું કે દેશે ત્રિરંગામાંથી પ્રેરણા લઈને આગળ વધવું જોઈએ અને વિશ્વનું નેતૃત્વ કરવું જોઈએ. જો કે રાષ્ટ્રવિરોધી શક્તિઓ નથી ઈચ્છતી કે આપણે આગળ વધીએ. સંઘ પ્રમુખે પોતાના સંબોધનમાં જણાવ્યું કે 'ભારત વિશ્વને જાગૃત કરવામાં સક્ષમ છે પરંતુ કેટલીક શક્તિઓ છે જે ભારતની પ્રગતિને રોકવા માંગે છે. આપણે તેમની સાથે સાવધાની રાખવી પડશે અને આપણા રાષ્ટ્રધ્વજમાં છુપાયેલા સંદેશ અનુસાર કામ કરવું પડશે અને દેશને એકજૂટ રાખવો પડશે. જેથી નકારાત્મક શક્તિઓ સફળ ન થઈ શકે.
રાષ્ટ્રધ્વજ અંગે વાત કરતા સંઘના વડાએ જણાવ્યું કે રાષ્ટ્ર ધ્વજમાં સૌથી ઉપર રહેલો કેસરી રંગ બલિદાનનું પ્રતીક છે, જે જીવનને તમસો મા જ્યોતિર્ગમય (અંધકારમાંથી પ્રકાશ તરફ)ની દિશામાં લઈ જાય છે. સફેદ રંગ કોઈપણ સ્વાર્થ વગર શુદ્ધતા સાથે કામ કરવાનું પ્રતીક છે. લીલો રંગ શ્રી લક્ષ્મી (સંપત્તિ)નું પ્રતીક છે જે બુદ્ધિ, વિશ્વાસ અને નિઃસ્વાર્થ શક્તિ મેળવવામાં મદદ કરે છે.
વિશ્વ જાગૃતિ માટે થઇ ભારતની આઝાદી
મોહન ભાગવતે કહ્યું કે ભારત વિશ્વને જ્ઞાન, પવિત્રતા, સમૃદ્ધિ અને સમર્પણ શીખવી શકે છે. સમર્થ ભારત સંસ્થા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું કે આપણે સૂર્યની પૂજા કરીએ છીએ, તેથી જ આપણને ભારત કહેવામાં આવે છે, જેમાં ‘બહા’નો અર્થ થાય છે પ્રકાશ. વિશ્વને જગાડવા માટે જ ભારતને આઝાદી મળી છે.