- ભારતે બંને દેશોનાં રાજદ્વારીઓની સંખ્યામાં સમાનતાની કરી માંગ
- કેનેડાનો ભારત પર આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘનનો આરોપ
- ભારતનાં નિર્ણય સામે કેનેડા નરમ પડ્યું હોવાના સંકેત
ભારત અને કેનેડાનાં સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી તણાવ જોવા મળી રહ્યો છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદ બાદ વિઝા સુવિધા હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે બંને દેશોનાં નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે સરકાર નજર રાખી રહી છે. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું છે કે જ્યારે સ્થિતિ સુધરશે ત્યારે અમે તેને ફરીથી શરૂ કરવા પર કામ કરીશું.
શા માટે વિઝા પર પ્રતિબંધ?
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે "થોડા સપ્તાહ પહેલા ભારત સરકારે કેનેડાને વિઝા આપવાનું બંધ કરી દીધું હતું. ભારતીય રાજદ્વારીઓ માટે આવી સુવિધા ચાલુ રાખવી સુરક્ષિત નથી. તેમને વિઝા આપવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ ત્યાં જવું સલામત નહોતું તેથી તેમની સલામતી અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને વિઝા આપવાની સુવિધા અસ્થાયી ધોરણે બંધ કરવી પડી.''
સ્થિતિ સામાન્ય થતાં જ વિઝા સુવિધા થશે શરૂ
જયશંકરે જણાવ્યું હતું કે ''આ સમગ્ર મામલાની બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે ''જો સ્થિતિ થોડી સામાન્ય થશે તો અમે આ સુવિધાને ફરીથી શરૂ કરવા પર કામ કરીશું.''
રાજદ્વારીઓની સંખ્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ
ભારતે કહ્યું હતું કે ''કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની સંખ્યા કરતાં કેનેડાએ ભારતમાં વધુ રાજદ્વારીઓ તૈનાત કર્યા છે.'' બંને દેશો વચ્ચે વિવાદ વધ્યા બાદ ભારતે આ મામલે રાજદ્વારીઓની સંખ્યામાં સમાનતાની માંગ કરી હતી.
આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન
આ મામલે કેનેડાના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે કેનેડિયન રાજદ્વારીઓને આપવામાં આવેલી સુરક્ષા હટાવવાની ભારતની વાત 'આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન' છે. તેમણે કહ્યું હતું કે ''કેનેડા દ્વારા તેના બદલામાં કોઈ પગલાં લેવામાં આવશે નહીં.'' એવું પણ કહેવામાં આવ્યું હતું કે ''કેનેડામાં મુલાકાત લેવા અથવા સ્થાયી થવા આવતા ભારતીયોનું હજુ પણ સ્વાગત છે.''