મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે બુધવારે જણાવ્યું હતું કે તેઓ પોતાના માતાપિતા અને કાકાના આશીર્વાદથી ખુબ જ સારું કામ કરી રહ્યા છે અને તેમણે સાથે જ પોતાના પાર્ટી કાર્યકરોને કહ્યું હતું કે તેઓ આજકાલના રાજકારણીઓના ચરણસ્પર્શ ના કરે કારણ કે તેઓ તેને લાયક નથી.


પવારે બીડમાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીની યુવા પાંખની રેલીને સંબોધન કરવા દરમિયાન આ ટિપ્પણી કરી હતી. પવાર બીડના એક દિવસના પ્રવાસે હતા. એનસીપી પ્રમુખે વધુમાં પોતાના પ્રવાસ દરમિયાન તેમને હાર પહેરાવનારા, મોમેન્ટો ભેટ આપનારા અને શોલ પહેરાવનારા પાર્ટી કાર્યકરોને ઠપકો પણ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે મને કંઇ ના આપશો. મને માત્ર તમારો પ્રેમ અને સન્માન જોઇએ છે. મને પગે ના લાગશો. આજના રાજકારણીઓ પગે પડવાને લાયક નથી. મારા માતા-પિતા અને કાકાના આશીર્વાદથી હું સારું કરી રહ્યો છું. મને તમારા પ્રેમ અને પારસ્પરિક સન્માનની જરુર છે. ઉલ્લેખનીય છે કે અજિત પવારે 1999માં તેમના કાકા શરદ પવારે સ્થાપેલા એનસીપીમાં બળવો પોકાર્યો હતો અને પાર્ટીના બે ફાડિયાં કરી નાખ્યા હતા. જુલાઇ 2023માં અજિત પવાર પાર્ટીના મોટાભાગના ધારાસભ્યોનું સમર્થન લઇને પાર્ટીથી અલગ થઇ ગયા હતા અને તેઓ ભાજપ અને શિવસેના ગઠબંધનની સરકાર સાથે જોડાઇ ગયા હતા તેમજ રાજ્ય સરકારમાં નાયબ મુખ્યપ્રધાન બન્યા હતા. 2024ની રાજ્યની વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટીના બહુમતિ ધારાસભ્યો હોવાને કારણે અજિત પવારને ચૂંટણી પંચે એનસીપીનું ચૂંટણી પ્રતીક સોંપ્યું હતું. અને ગઠબંધન હેઠળ પોતે લડેલી 57 સીટમાંથી અજિત પવારની પાર્ટી 41 બેઠક પર વિજયી બની હતી.


  • Follow us on: