- રાજનાથ સિંહે રેલીમાં આપ્યું નિવેદન
- નાપાક પ્રવૃતિ કરશે તો ખતમ કરી દઇશું
- વિશ્વમાં ભારતનું ગૌરવ વધી રહ્યું છે
મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકો માટે 17 નવેમ્બરે મતદાન થશે. જેને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ ભાજપના ઉમેદવારોના પક્ષમાં પ્રચારમાં વ્યસ્ત છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે જો કોઈ વ્યક્તિ કોઈ નાપાક કૃત્ય કરવાનો પ્રયાસ કરે છે, તો ભારત તેને સરહદની આ બાજુ અને જો જરૂર પડે તો બીજી બાજુથી પણ ખતમ કરી શકે છે. રાજનાથ સિંહ ભીંડ જિલ્લાની ગોહડ વિધાનસભા સીટ હેઠળના ખાનેટા ગામમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લાલ સિંહ આર્યના પ્રચાર દરમિયાન એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. મંત્રીએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધી રહ્યું છે.
રાજનાથ સિંહે કહ્યું- કોંગ્રેસના શાસન દરમિયાન વિદેશમાં લોકો કહેતા હતા કે ભારત નબળો દેશ છે. દુનિયાએ અમારી વાતને બહુ ગંભીરતાથી લીધી નથી. તેમણે કહ્યું કે હવે સ્થિતિ બદલાઈ ગઈ છે અને જો ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ભારત કંઈ બોલે છે તો દુનિયા ખુલ્લા કાનથી સાંભળે છે. તેમણે કહ્યું કે હવે તમારું ભારત નબળો દેશ નથી. દુનિયાની કોઈ તાકાત ભારતને ધમકી આપવાની હિંમત કરી શકે નહીં.










