- અપર્ણા ઠાકુર નામની મહિલાનો રવિ કિશન સાથે સંબંધનો દાવો
- રવિ કિશનના પત્નીએ અપર્ણા અને તેની પુત્રી સામે FIR દાખલ કરાવી
- અપર્ણાએ કહ્યું હતું કે તેની 25 વર્ષીય પુત્રી શિનોવા રવિ કિશનની પુત્રી છે
ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર અને ભાજપ નેતા રવિ કિશન સામે ગંભીર આરોપ લાગ્યા છે. અપર્ણા ઠાકુર નામની એક મહિલાએ રવિ કિશન પર પોતાની પુત્રીના પિતા હોવાનો આરોપ લગાવ્યો છે. અપર્ણાએ કહ્યું હતું કે તેની 25 વર્ષીય પુત્રી શિનોવા રવિ કિશનની પુત્રી છે. આ દાવા બદલ રવિ કિશનની પત્ની પ્રીતિ શુક્લાએ અપર્ણા અને તેની પુત્રી સામે પોલીસમાં એફઆઇઆર દાખલ કરાવી છે. પ્રીતિ શુક્લાએ પોતાની એફઆઇઆરમાં મહિલા અને તેની પુત્રી પર ધમકી આપવાનો, ખોટો આરોપ લગાવવાનો અને પૈસા પડાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. શિનોવા પણ એક એક્ટ્રેસ છે. તેને ફિલ્મ હિકપ્સ એન્ડ હૂકઅપ્સમાં જોવાઇ છે. શિનોવાએ જણાવ્યું હતું કે તેના પરિવારનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને સાથે જ માગ કરી હતી કે વિવાદને સમાપ્ત કરવા માટે રવિ કિશનનો પેટરનિટી ટેસ્ટ કરાવવામાં આવે. રવિ કિશનને સંબોધતા શિનોવાએ કહ્યું હતું કે, જો આ આરોપ સાચા નથી તો તમે સામે કેમ નથી આવી રહ્યા અને કેમ નથી કહેતા આ બધુ ખોટું છે. હું બસ એટલી માગ કરુ છુંકે તમે તમારો ડીએનએ ટેસ્ટ કરાવો. તમે ચુપ છો અને કોઇ વાતનો જવાબ નથી આપી રહ્યા. મારા સમગ્ર પરિવાર, એક વકીલ અને એટલે સુધી એક પત્રકાર સામે પણ એફઆઇઆર દાખલ કરાવાઇ છે અને તે પણ ખોટા આરોપની સાથે કે અમે તમારી પાસેથી પૈસા પડાવવા માગીએ છીએ.
સોમવારે અપર્ણા સોની ઉર્ફે અપર્ણા ઠાકુરે પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો હતો કે એક્ટર અને ભાજપ ઉમેદવાર રવિ કિશન તેની પુત્રી શિનોવાના પિતા છે. તે બાદ શિનોવાએ ઇન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને ટેગ કરીને એક વીડિયો શેર કર્યો હતો.










