ભારત અને પાકિસ્તાનનો તણાવ હવે યુદ્ધ સ્થિતિ પર આગળ વધ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પાકિસ્તાન સતત હુમલા કરી રહ્યું છે અને ભારત ફક્ત આ હુમલાનો પ્રત્યુતર આપી રહ્યું છે. દરમિયાન ભારતના વિરોધ બાદ પણ કંગાળ પાકિસ્તાનને IMF દ્વારા વિદેશી ભંડોળ પૂરી પાડવામાં આવતા હવે વૈશ્વિક સ્તરે આ સ્થિતિનું અન્ય મૂલ્યાંકન થઈ રહ્યું છે. આજે હવે આગામી રણનીતિને લઈને દિલ્હીમાં PM આવાસ પર ઉચ્ચસ્તરીય બેઠક થઈ રહી છે. આ બેઠકમાં NSA ડોભાલ, CDS, ત્રણેય સેના પ્રમુખ સહીત રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ બેઠકમાં હાજર છે.
પાકિસ્તાનના હુમલાનો ભારતે આપ્યો જવાબ
પાકિસ્તાન પોતાની નાપાક પ્રવૃત્તિઓ બંધ કરી રહ્યું નથી. શુક્રવારે, ભારતે દિવસ દરમિયાન પાકિસ્તાન સામે કોઈ કડક કાર્યવાહી કરી ન હતી, પરંતુ રાત પડતાંની સાથે જ પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરથી ગુજરાત સુધીના 26 સ્થળોએ તાજા ડ્રોન હુમલા કરીને પોતાના ઇરાદા જાહેર કર્યા. શ્રીનગર એરપોર્ટ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. સેનાએ બે પાકિસ્તાની ડ્રોનને હવામાં તોડી પાડ્યા.
સેનાની કાર્યવાહીથી ગભરાયું પાકિસ્તાન
ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, શુક્રવારે સાંજે ઉત્તરમાં બારામુલ્લાથી દક્ષિણમાં ભૂજ સુધી આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા હતા. આમાં શંકાસ્પદ સશસ્ત્ર ડ્રોનનો સમાવેશ થાય છે જે નાગરિક અને લશ્કરી લક્ષ્યો માટે સંભવિત ખતરો છે. સેનાએ દુશ્મનના દરેક લક્ષ્યને હવામાં જ નષ્ટ કરી દીધું. ભારતીય સેનાની કડક કાર્યવાહી અને સંરક્ષણ પ્રણાલીથી હવે પાકિસ્તાન ગભરાયુ છે.
LOC પર સતત ગોળીબાર
ગભરાયેલું પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરતા ભારતમાં LOC પર સતત ગોળીબાર કરી રહ્યો છે અને સરહદની આસપાસના ગામડાઓને નિશાન બનાવી નાગરિકો પર હુમલાનો પ્રયાસ કરી રહ્યો છે. પૂંછ વિસ્તારમાં સતત વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે. રાજૌરી વિસ્તારમાં થયેલા વિસ્ફોટોને કારણે ઘરો અને સંપત્તિને નુકસાન થયું છે. આ હુમલામાં એક અધિકારી અને પાંચ નાગરિકોના મોત થયા હતા. નાગરિકોને નિશાન બનાવતા હવે પાકિસ્તાનના વલણને લઈને ભારત શું પ્રતિક્રિયા આપશે તેને લઈને આજે પીએમ આવાસ પર ઉચ્ચસ્તરીય બેઠકમાં ચર્ચા થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા G7 દેશો સહિત ચીન પણ શાંતિની અપીલ કરી રહ્યું છે.