ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આજે જમ્મુ, પંજાબ અને રાજસ્થાનમાં પાકિસ્તાને એટેક કર્યો છે. પઠાનકોટ સહિતના શહેરોમાં પાકિસ્તાને મિસાઈલથી એટેક કર્યો છે. ભારતની S-400 સિસ્ટમે પાકિસ્તાની મિસાઈલોને હવામાં જ તોડી પાડી છે. જમ્મુ, પઠાનકોટ, શાહપુર, માધોપુર, ફિરોજપુર અને જેસલમેરમાં પાકિસ્તાન દ્વારા ડ્રોન અને મિસાઈલોથી હૂમલો કરવામાં આવ્યો છે. હુમલો થતાં જ બ્લેક આઉટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને સાયરનો વાગવા માંડી છે.
પાકિસ્તાને છોડેલી મિસાઈલોને એન્ટી ડ્રેન સિસ્ટમે તોડી પાડી
પાકિસ્તાને કરેલા હુમલા બાદ જમ્મુ એરપોર્ટ પરથી ભારતના ફાઈટર વિમાનોએ ઉડાન ભરી છે. જમ્મુ યુનિવર્સિટી પાસે બે ડ્રોન તોડી પાડવામાં આવ્યાં છે. આરએસપુરા, અરનિયા અને સાંબામાં પાકિસ્તાને છોડેલી મિસાઈલોને એન્ટી ડ્રેન સિસ્ટમે તોડી પાડી છે. આ ઉપરાંત પઠાનકોટ એરબેઝ પર પણ કરવામાં આવેલા ડ્રોન હુમલાને ભારતે વિફળ કરી દીધો છે.
સરહદ પર બંને બાજુથી ગોળીબાર ચાલુ
રાજસ્થાન, જમ્મુ અને પંજાબમાં મિસાઇલ હુમલા કરવાની સાથે, પાકિસ્તાને સરહદ પર પણ ગોળીબાર શરૂ કરી દીધો છે. ભારતીય સેના પણ એટલો જ જવાબ આપી રહી છે. સરહદ પર બંને બાજુથી ગોળીબાર ચાલુ છે. જેસલમેર પર હુમલા પહેલા પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં અનેક સ્થળોએ મિસાઇલોથી હુમલો કર્યો હતો. પાકિસ્તાની હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં પણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યું હતું. ભારતની S-400 વાયુ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાની મિસાઇલોને તોડી પાડી. જોકે, સાવચેતીના પગલા રૂપે, વહીવટીતંત્રે સમગ્ર જેસલમેરમાં વીજળી કાપી નાખી છે.