પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં સ્થિત આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરીને જડબાતોડ જવાબ આપ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાને ભારતના 15 શહેરો પર હુમલો કર્યો હતો. હવે ફરીવાર પાકિસ્તાને લક્ષ્મણ રેખા ક્રોસ કરીને ભારતના ત્રણ રાજ્યોમા ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો છે. પાકિસ્તાનના તમામ ડ્રોન અને મિસાઈલોને ભારતની ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ભારતે બીજી વખત પાકિસ્તાનના દરેક ઈરાદા નાકામિયાબ કરી દીધા છે.
લાહોર પર જવાબી કાર્યવાહી કરવામાં આવી
પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ કર્યા બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહે સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠી અને એર ચીફ માર્શલ એપી સિંહ સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ પાકિસ્તાન સામે કડક એક્શન લેવાનો નિર્ણય કરાયો હતો. પાકિસ્તાનના હુમલા બાદ લાહોર પર જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી.
પાકિસ્તાને એટેક કર્યો
ભારતીય સેના તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમા જણાવાયું હતું કે, જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સીમા પાસે જમ્મુ, પઠાનકોટ અને ઉધમપુરના સેન્ય સ્ટેશનોને પાકિસ્તાન દ્વારા મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરીને નિશાન બનાવાયા હતાં. જ્યાં કોઈ નુકસાન થયું નથી. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ કહ્યું હતું કે, તણાવ ઓછો કરવાનો વિકલ્પ પાકિસ્તાન પાસે છે. જો વધુ ઉશ્કેરવાની કોશિશ કરશે તો તેનો જવાબદાર પણ પાકિસ્તાન હશે.