ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધિ સ્થિતિને લઈને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રતિક્રિયા સામે આવી છે. યોગી આદિત્યનાથે પાકિસ્તાનની ઝાટકણી કાઢતા કહ્યું કે હજુ પણ નાપાક પાકિસ્તાન સુધરતું નથી. ભારતીય સેના પાકિસ્તાનના તમામ હુમલાનો ટકકરથી જવાબ આપી રહી છે. પાકિસ્તાનના તમામ હુમલા ભારતની સંરક્ષણ પ્રણાલીએ નિષ્ફળ કર્યા છે. છતાં પણ પાકિસ્તાન અવળચંડાઈ કરતા જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં હુમલાઓ કરવા પ્રયાસ કરી રહ્યું છે. વર્તમાન યુદ્ધ સ્થિતિને લઈને તેમણે કહ્યું કે ભારત વિજયી છે અને ભવિષ્યમાં પણ વિજયી જ રહેશે. આપણે ભારતની સેનાનું મનોબળ વધારવાનું છે.
પાકિસ્તાન અસ્તિત્વ માટે કરશે સંઘર્ષ
યોગી આદિત્યનાથે પાકિસ્તાન દ્વારા ભારત પર કરવામાં આવી રહેલા ગુપ્ત હુમલાઓ માટે પાકિસ્તાનની ટીકા કરી છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે પાકિસ્તાન તેના કાર્યોને કારણે તેના અસ્તિત્વ માટે સંઘર્ષ કરશે. પાકિસ્તાન દુનિયા સામે રડી રહ્યું છે અને હજુ પણ બેશરમ કાર્યો કરી રહ્યું છે. મહત્વનું છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે મહારાણા પ્રતાપ સ્ક્વેરના નવીનીકરણનું ઉદ્ઘાટન કરવા માટે હુસૈનગંજ પહોંચ્યા હતા. દરમિયાન તેમણે પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા અને કહ્યું કે 22 એપ્રિલે પાકિસ્તાની આતંકવાદીઓએ દુષ્કર્મ કર્યું, જેનો પીએમ મોદીના સંકલ્પ અને સૈનિકોની બહાદુરીથી યોગ્ય જવાબ આપવામાં આવ્યો.
પોતાના કાળા કામના કારણે ગુમાવ્યો પરિવાર
ભારતના સાહસિક ઓપરેશન સિંદૂર પછી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાકિસ્તાન અને આતંકવાદના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ પર ટિપ્પણી કરતા કહ્યું કે , આંતકવાદીઓએ તેમના કાળા કૃત્યના કારણે કુટુંબ અને પરિવાર ગુમાવવાનો વારો આવ્યો. આજે પાકિસ્તાન ઘૂંટણિયે આવ્યુ છે. પાકિસ્તાનને તેના કામોના કારણે દુનિયાના અન્ય દેશો પણ હવે સાઈડલાઈન કરી રહ્યા છે. છતાં પણ કૂતરાની પૂંછડી વાંકી તેમ પાકિસ્તાન ભૂલ સ્વીકારવાના બદલે હુમલાઓ કરી નિર્દોષ નાગરીકોને નિશાન બનાવી રહ્યું છે. હજુ પણ પાકિસ્તાન નહીં સુધરે તો ભારતીય સેના વધુ સખત પગલા લઈ શકે છે તેવી યોગીએ ચેતવણી ઉચ્ચારી. યોગીના સખત શબ્દો પાકિસ્તાનના રાજકીય અને વ્યૂહાત્મક વર્તુળોમાં આઘાત પહોંચાડી રહ્યા છે.