- જ્યુડિ. સિસ્ટમમાં ટેક્નોલોજીનું વધતું ચલણ અને એઆઇનો ઉપયોગ ગેમ ચેન્જર
- એઆઇના દુરુપયોગથી બચવા, અમીર-ગરીબ વચ્ચેની ખાઈ ન વધે તે જોવા ભલામણ
- AI કાયદાકીય માહિતીઓને સામાન્ય લોકોને ઉપયોગ કરવાની સુવિધા આપે છે: CJI ચંદ્રચૂડ
ભારતના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે ભારત અને સિંગાપુર જ્યુડિશિયલ કોન્ફરન્સમાં ટેક્નોલોજીના ઉપયોગ અંગેનો પોતાનો મત પ્રકટ કર્યો હતો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને જરૂરી ગણાવી હતી. તેમણે જ્યુડિશિયલ સિસ્ટમમાં ટેક્નોલોજીના વધતા ચલણ અને એઆઇના ઉપયોગને ગેમ ચેન્જર ગણાવ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે આ સમય વિકાસને અપનાવવાનો છે, જોકે, એ જોવું પડશે કે ટેક્નોલોજીનો પૂરેપૂરો લાભ કઈ રીતે મળે.
કોન્ફરન્સમાં બોલતાં સીજેઆઇ ચંદ્રચૂડે એ વાત પર ભાર મૂક્યો હતો કે આપણે એ ધ્યાનમાં રાખવું પડશે કે એઆઇનો દુરુપયોગ ન કરવામાં આવે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે તે અમીર અને ગરીબ વચ્ચેની ખાઈને વધારે પહોળી ન કરે. સીજેઆઇએ અદાલતોમાં એઆઇના ઉપયોગ વિશે કહ્યું કે, ટોચની અદાલતોમાં પહેલાંથી જ એઆઇ રજૂ કરી દેવાયું છે, જે લાઇવ ટ્રાન્સ્ક્રિપ્શનની સર્વિસ આપે છે. આ સર્વિસ હિન્દી ઉપરાંત 18 સ્થાનિક ભાષાઓમાં ઉપલબ્ધ છે અને તે કાયદાકીય માહિતીઓને સામાન્ય લોકોને ઉપયોગ કરવાની સુવિધા આપે છે. તેમણે કહ્યું કે કેટલાક ટાસ્કમાં એઆઇ ઉપયોગી સાબિત થઈ શકે છે, જેમાં ડોક્યુમેન્ટ રિવ્યૂ, કેસ મેનેજમેન્ટ અને શેડયૂલિંગ વગેરે સામેલ છે. એઆઇની મદદથી એડ્મિનિસ્ટ્રેટિવ પ્રોસેસને સરળ કરી શકાય છે અને પેપર વર્કને ઘટાડી શકાય છે. તેમણે ઉમેર્યું હતું કે, તે માત્ર ખર્ચ ઘટાડવાનું કામ નહીં કરે, બલકે તે લોકોને ત્વરિત ન્યાય મેળવવામાં મદદગાર સાબિત થઈ શકે છે.










