- PM મોદીએ દલાઇ લામાને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી
- ભારતે દલાઇ લામાના ચીન વિરોધી અલગતાવાદી સ્વભાવને ઓળખવો જોઇએ: ચીન
- અમારા માટે દલાઇ લામા સન્માનિત અતિથિ: ભારત
તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામા છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં છે, જ્યાંથી તેઓ સમગ્ર વિશ્વમાં તેમના ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર કરી રહ્યા છે. પરંતુ ચીન હંમેશા આનો વિરોધ કરતું આવ્યું છે. ભારત દ્વારા દલાઈ લામાને આશ્રય આપવા સામે ચીને ઘણી વખત વાંધો ઉઠાવ્યો છે. તો હવે પીએમ મોદીની એક ટ્વિટથી ડ્રેગનને મરચાં લાગ્યા. 6 જુલાઈએ દલાઈ લામાનો જન્મદિવસ હતો, જ્યારે પીએમ મોદીએ આ અવસર પર તેમને અભિનંદન પાઠવ્યા તો ચીન ભડકયું.
દલાઈ લામા પર ચીને શું કહ્યું?
ચીને દલાઈ લામા પર પીએમ મોદીના સ્ટેન્ડ અંગે પણ સલાહ આપી હતી. ચીને રજૂ કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તિબેટ ચીનનો આંતરિક મામલો છે. આમાં કોઈ બહારની તાકાતે દખલ ના કરવી જોઈએ. ભારતે દલાઈ લામાના ચીન વિરોધી અલગતાવાદી સ્વભાવને ઓળખવો જોઈએ.
ભારતે પણ જવાબ આપ્યો
જો કે ચીનના આ વાંધાને ભારતે પણ જવાબ આપ્યો હતો. જેમાં ભારતે કહ્યું હતું કે, અમારા માટે દલાઈ લામા સન્માનિત અતિથિ તરીકે છે, દરેકે તેમને આ દ્રષ્ટિકોણથી જોવા જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે દલાઈ લામા એક ધાર્મિક નેતા છે જેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં છે. તેમને ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો માટે મુક્તિ આપવામાં આવી છે.
તિબેટના ધર્મગુરુ દલાઈ લામાના જન્મદિવસ નિમિત્તે પીએમ મોદીએ દલાઈ લામાને શુભેચ્છા પાઠવી અને તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી. પીએમએ પોતે જણાવ્યું કે તેમણે દલાઈ લામા સાથે ફોન પર વાત કરી હતી. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ ચીને પીએમ મોદી અને દલાઈ લામા વચ્ચેની વાતચીત પર વાંધો ઉઠાવ્યો છે.