• આવનારો સમય એશિયન દેશોનો રહેવાનો આંતરરાષ્ટ્રીય નાણાભંડોળનો દાવો

  • ચીન પહેલા જ્યારે અમેરિકા સરકીને ત્રીજા સ્થાને પહોંચી જશે
  • 2075 સુધીમાં ભારતીય અર્થતંત્રનો આકાર વધીને 52.5 લાખ કરોડ ડૉલર સુધી પહોંચી શકે છે

આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF)એ દાવો કર્યો છે કે આવનારો સમય એશિયન દેશોનો રહેવાનો છે અને જીડીપીની દૃષ્ટિએ દુનિયાના સૌથી મોટા બે દેશ એશિયાના જ રહેશે. IMFના અનુમાન અનુસાર વર્ષ 2075 સુધીમાં ચીન દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતો દેશ બની જશે, જ્યારે આ દૃષ્ટિએ ભારત બીજા નંબરે પહોંચી જશે. IMF દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર 2023માં ભારતનો જીડીપી 3.737 લાખ કરોડ ડૉલરનો છે, જે 2028 સુધીમાં વધીને 5.5 લાખ કરોડ ડૉલર થઇ જશે. એટલું જ નહીં આગામી ચાર દાયકામાં એટલે કે 2075 સુધીમાં ભારતીય અર્થતંત્રનો આકાર વધીને 52.5 લાખ કરોડ ડૉલર સુધી પહોંચી જઇ શકે છે. ચીન આ મામલે ભારતથી થોડું આગળ રહેશે. IMF અનુસાર હાલ ચીનનો જીડીપી 19.374 લાખ કરોડ ડૉલર છે, જે 2028 સુધીમાં 27.4 લાખ કરોડ ડૉલર અને 2075 સુધીમાં 57 લાખ કરોડ ડૉલરના સ્તરે પહોંચી જઇ શકે છે.

IMFના અનુસાર અમેરિકાનું અર્થતંત્ર ધીમું પડી જશે અને હાલ પહેલાં સ્થાને હોવા છતા તે સરકીને ત્રીજા સ્થાને પહોંચી જશે. 2023માં અમેરિકાનો જીડીપી 26.855 લાખ કરોડ ડૉલર છે, જ્યારે 2028માં તે 32.2 લાખ કરોડ ડૉલર અને 2075માં 51.5 લાખ કરોડ ડૉલર થઇ શકે છે. ભારત સરકાર છેલ્લા ઘણા સમયથી ભારતીય અર્થતંત્ર પાંચ લાખ કરોડનું કરવા કમર કસી રહી છે.

જર્મની, જાપાન, બ્રિટન, ફ્રાન્સ પાછળ જતા રહેશે

IMFએ સૌથી ચોંકાવનારી વાત એ કહી છે કે હાલ ત્રીજા, ચોથા, છઠ્ઠા અને સાતમા સ્થાને રહેલા દેશ જીડીપીના મામલે પાછા પડી જશે. ઇન્ડોનેશિયા ચોથા સ્થાને પહોંચી જશે. હાલ તેનો જીડીપી 2 લાખ કરોડ ડૉલર છે જે 2028 સુધીમાં તેટલાની આસપાસ જ રહેશે પરંતુ 2075 સુધીમાં તે 13.7 લાખ કરોડ ડૉલર થઇ જશે. તેવી જ રીતે નાઇજીરિયા જે હાલ 0.5 લાખ કરોડ ડૉલરનો જીડીપી ધરાવે છે તે 2028માં 0.9 લાખ કરોડ ડૉલર અને 2075 સુધીમાં 13.1 લાખ કરોડ ડૉલર થઇ જશે. અને પાંચમા સ્થાને પહોંચી જશે.

યુરોપ અને અમેરિકાના અન્ય દેશો ખૂબ પાછળ

દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝિલ જીડીપીના મામલે 2075 સુધીમાં 8.7 લાખ કરોડ ડૉલરની સાથે છઠ્ઠા સ્થાને પહોંચી જશે. 2028માં તે 2.7 લાખ કરોડ ડૉલરના સ્તરે પહોંચી શકે છે. હાલ તે 2.08 લાખ કરોડ ડૉલર છે. જર્મનીનો જીડીપી 2023ના 4.309 લાખ કરોડ ડૉલરથી વધીને 2075 સુધીમાં 8.1 લાખ કરોડ ડૉલર થઇ જશે અને તે સાતમા સ્થાને રહેશે. 2075 સુધીમાં બ્રિટન આઠમું મોટું અર્થતંત્ર બની જશે. 2023માં તેનો જીડીપી 3.159 લાખ કરોડ ડૉલર છે જે 2028 સુધીમાં 4.2 લાખ કરોડ ડૉલર અને 2075 સુધીમાં 7.6 લાખ કરોડ ડૉલર પર પહોંચી જશે.


  • Follow us on: