- નવા વર્ષના પહેલા જ દિવસે ઇસરોની કમાલ
- ભારતનું પહેલું ડેડિકેટેડ પોલરિમેટ્રી મિશન, સવારે 9:10 વાગ્યે લૉન્ચિંગ
- ઇસરો આજે PSLV-C58-XPoSat મિશન લૉન્ચ કરવાની તૈયારીમાં
આજે પહેલી જાન્યુઆરીએ એટલે કે વર્ષ 2024ના પહેલા દિવસે જ ઇસરો કમાલ કરવાનું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચવાથી માંડીને સોલર મિશન લૉન્ચ કરવા સહિતના સફળ મિશનો બાદ ઇસરો આજે PSLV-C58-XPoSat મિશન લૉન્ચ કરવાની તૈયારીમાં છે. XPoSatનું પૂરું નામ એક્સ-રે પોલરિમેટ્રી સેટેલાઇટ છે. આ ભારતનું પહેલું ડેડિકેટેડ પોલરિમેટ્રી મિશન છે. ઇસરોએ જાહેરાત કરી છે કે XPoSat મિશન પોલર સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ (PSLV)નો ઉપયોગ કરીને સોમવારે સવારે 9:10 વાગ્યે લૉન્ચ કરાશે.
આ મિશન દ્વારા ઇસરો બ્લેક હૉલ અને ન્યૂટ્રોન સ્ટાર્સનો અભ્યાસ કરશે. ભારતના અવકાશી મિશનોમાં આ એક સીમાચિહન સાબિત થશે. ઉપગ્રહનું આયુષ્ય પાંચ વર્ષ છે. પીએસએલવી રોકેટ સીરીઝનું આ 60મું લૉન્ચિંગ હશે. લૉન્ચિંગ પૂર્વે વિજ્ઞાનીઓએ તિરુપતિ ખાતે ભગવાન વેંક્ટેશ્વરની પૂજા કરી હતી. સૌથી ખાસ વાત એ છે કે આ મિશન ભારતનું પહેલું ડેડિકેટેડ પોલરિમેટ્રી મિશન હોવા ઉપરાંત 2021માં લૉન્ચ કરાયેલા નાસાના ઇમેજિંગ એક્સ-રે પોલરિમેટ્રી એક્સપ્લોરર (IXPE) પછીનું વિશ્વનું માત્ર બીજું મિશન છે.










