અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતના ચાર દિવસીય પ્રવાસ પર છે. દિલ્હીના પાલમ એરપોર્ટ પર જેડીવાન્સ તેમના એરફોર્સ-2 વિમાનમાં આજે ઉતરાણ કર્યું છે. ઉપરાષ્ટ્રપતિ વાન્સનું ભારતમાં આગમન થતા એરપોર્ટ પર પ્રોટોકોલ મુજબ તેમનું સ્વાગત કરવામાં આવ્યું. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સનું એરપોર્ટ પર સ્વાગત કર્યું. જેડી વાન્સ આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત 60 દેશો પર ટેરિફ લાદ્યા બાદ જેડીવાન્સ ભારત પ્રવાસે છે ત્યારે આ મુલાકાત પર તમામની નજર છે. વાન્સની આ મુલાકાત ભારત અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરશે તેવું વિશ્લેષકો કહી રહ્યા છે.
પરિવાર સાથે વાન્સ ભારતીય પ્રવાસે
ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ તેમની પ્રથમ ભારત મુલાકાતે છે. વાન્સના ચાર દિવસીય ભારત પ્રવાસમાં તેમની સાથે પત્ની ઉષા વાન્સ, બાળકો ઇવાન, વિવેક અને મીરાબેલ અને ભારતમાં યુએસ વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ છે. જણાવી દઈએ કે જેડી વાન્સના પત્ની ઉષા ભારતીય મૂળના છે અને એટલે અમેરિકન ઉપરાષ્ટ્રપતિની આ મુલાકત વ્યાપારિક સંબંધો સાથે સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી પણ વધુ મહત્વની ગણાઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિ વાન્સ 21 એપ્રિલથી 24 એપ્રિલ સુધીની આ ચાર દિવસીય મુલાકાતમાં પોતાના પિરવાર સાથે લાલ કિલ્લો અને તાજમહેલ જેવા ભારતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે.
બંને દેશો વચ્ચે મજબૂત સંબંધોની આશા
ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતીય સમય મુજબ આજે સાંજે અંદાજે 6.30 વાગ્યાની આસપાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત બંને દેશોને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરવાની અને સહિયારા હિતોના આધારે સહયોગને વધુ ગાઢ બનાવવાની તક પૂરી પાડશે. બંને દેશો ભૂ-રાજકીય પડકારો, ખાસ કરીને ઈન્ડો-પેસિફિક, ચીન અને આર્થિક સ્થિરતા જેવા ક્ષેત્રોમાં વ્યૂહાત્મક સંકલન વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમજ અમેરિકાની ટેરિફ નીતિ બાદ વૈશ્વિક વેપારમાં ઉથલપાથલ થઈ હતી. જેના બાદ ઇટ વાન્સની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાની ટેરિફ નીતિ વૈશ્વિક વેપારમાં ઉથલપાથલનું કારણ બની રહી છે. વાન્સની ભારત મુલાકાતને વ્યૂહાત્મક અને આર્થિક બંને દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.